Pramukh Swami Maharaj Janmshatabdi Mohotsav concludes grandly, More than 1 crore devotees visited

પ.પૂ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં ઓગણણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા એક મહિનાના મહોત્સવનું ગત રવિવારે રંગેચંગે ભક્તિભાવભર્યા વાતાવરણમાં સમાપન થયું હતું. આ સમારોહમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સતત એક વર્ષની રાત દિવસની મહેનત બાદ તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમા એક મહિના સુધી એક કરોડથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. દોઢ લાખ લોકોએ વ્યસન મુક્તિ નો સંકલ્પ લીધો હતો અને લાખો સીસી બ્લડ ડોનેશન આવ્યું હતું. 3 લાખથી વધુ બાળકોએ નિયમ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં કોઈ ધાર્મિક ઉત્સવમાં એક કરોડ 21 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હોય એવો આ સૌથી મોટો ઉત્સવ છે .બીએપીએસ ના વડા મહંત સ્વામી મહારાજે તમામને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ સાથે વર્ષો સુધી વિચરણ કરનાર સંતોએ તેમની સાથેના પ્રસંગોને યાદ કર્યા હતા સાથે સાથે રવિવારથી જ પ્રમુખસ્વામી મહારાજ નગરના વિસર્જનની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. જેમાં સૌ પ્રમથ પેવર બ્લોક હટાવવાની શરૃઆત કરવામાં આવી છે.જે માટે 10 હજારથી વધુ સ્વંયસેવકો કાર્યરત રહેશે. આ કામગીરીની શરૃઆત પેવર બ્લોક હટાવવાથી કરવામાં આવી છે. ત્યારબાદ વિવિધ પ્રદર્શનને આયોજનબધ રીતે હટાવવામાં આવશે.

જ્યારે ગ્લો ગાર્ડનના ફુલ અને કૃતિઓને ગાંધીનગર અક્ષરધામ ખાતે લઇ જવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્યું હતું. ગ્લો ગાર્ડન નગરમાં મુખ્ય આકર્ષણ પૈકીનું સૌથી મહત્વનું આકર્ષણ હતું . જેને તૈયાર કરવા માટે સ્વયંસેવકોએ વિશેષ તૈયારીઓ કરી હતી. આ રીતે પ્રમુખસ્વામી મહારાજની હાથની મુદ્રાઓને દર્શાવતા વાંસની કલાકૃતિઓને પણ ગુજરાતના વિવિધ મંદિરોમાં સ્થાપિત કરાશે.

આ રીતે અન્ય સ્થાળાંતરિત થઇ શકે તેવી તમામ વસ્તુઓ અને કૃતિઓનો પુનઃ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં 600 એકરમાં તૈયાર કરાયેલા નગરમાં ઉજવાયેલો મહોત્સવ ભારતનો સૌથી મોટો મહોત્સવ બન્યો છે.

ભક્તોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના સંસ્મરણો વાગોળ્યાં

આ પ્રસંગે અનેક ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.

BAPSના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું,

“વિચરણ એ ભારતીય સંતોની પ્રણાલી છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ તે જ પરંપરાને ચાલુ રાખી અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે ગુરુ શાસ્ત્રીજી મહારાજ આગળ કરેલી પ્રતિજ્ઞા દેહની પરવા કર્યા વગર ૯૬ વર્ષ સુધી પાળીને ગુરુહરીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે તેમના પ્રેમ અને કરુણા દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે. આ પધરામણીઓ ના ફલશ્રુતિમાં દેશ વિદેશમાં ૧૨૦૦ મંદિરોનું નિર્માણ અને ૧૦૦૦ થી વધુ સુશિક્ષિત સાધુ સંતોનો સમાજ પ્રાપ્ત થયો છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી છે. “

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વવ્યાપી મંદિર નિર્માણના યુગકાર્યને અંજલિ આપતું વક્તવ્ય કર્યું હતું. મણે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજની પ્રેમ વિશ્વભરના લોકો ક્યારેય નહી ભૂલી શકે કારણકે જે કોઈ પણ પ્રમુખસ્વામી મહારાજને મળ્યા છે તે પ્રમુખસ્વામી મહારાજના થઈ ગયા છે. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રની સરહદો પૂરતો સીમિત નહોતો. પ્રમુખસ્વામીનું સર્વોત્તમ કાર્ય એ ૧૨૦૦ થી વધારે મંદિરો બાંધ્યા છે તે માનવ ઉત્કર્ષના મંદિરો સમાન છે અને આવનારી અનેક પેઢીઓ ક્યારેય ભૂલી નહિ શકે. આજે પુરાતત્વ વિભાગ જેમ અવશેષો પરથી આપણે સંસ્કૃતિ અથવા સભ્યતા નો અંદાજ લગાવી રહ્યા છે પરંતુ આવનારા હજારો વર્ષો પછી કોઈ અંદાજ લગાવશે ત્યારે તેઓ યાદ કરશે કે,’ કેવા હશે તે મહાન પુરુષ જેણે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યથી રંગી નાખી હતી.’ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે , ‘ હું આવનારી પેઢીને ખુશી સાથે કહીશ કે અબુધાબીના હિન્દુ સ્વામિનારાયણ મંદિર નિર્માણ વખતે હું સહભાગી બન્યો હતો.”

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નાનામાં નાના માનવીથી લઈને મોટા વ્યક્તિઓને સ્પર્શી ગયા. અબ્દુલ કલામ સાહેબ આપણાં રાષ્ટ્રપતિ હતા તેમજ તેમને વિશ્વની અનેક યુનિવર્સિટીએ પી.એચ.ડી ની ડીગ્રી આપી છે પરંતુ તેઓ પ્રમુખસ્વામી મહારાજની સાધુતા અને વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા અને વિશ્વમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું છે. તેવું પ્રમુખસ્વામી મહારાજનું દિવ્ય, પ્રભાવક સમતા યુક્ત જીવન હતું. ”

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ વિનમ્ર પુરુષ હતા અને તેમનામાં અહમ્ શૂન્યતા અને નિર્માનીપણું જોવા મળતું હતું. પ્રમુખસ્વામી મહારાજ સતત આત્મારૂપે વર્તતા હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે , અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે , અનેક ઉત્સવો કર્યા છે પરંતુ તેઓ ક્યારેય બોલ્યા નથી કે , ‘ મે કર્યું છે ‘ અને હંમેશા ભગવાન અને ગુરુને જ યશ આપ્યો છે.”પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા

તેમણે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે દરેકની સંભાળ લીધી છે અને દરેકને સાચવ્યા છે એટલે દરેકને અનુભૂતિ થાય છે કે “પ્રમુખસ્વામી મહારાજ મારા છે”. આજે નહિ પરંતુ હજારો વર્ષો પછી પણ પ્રમુખસ્વામી મહારાજને લોકો યાદ કરતા રહેશે. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ક્યારેય નથી ભૂલ્યા તે રીતે આપણે પણ કાયમ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ રાખવાની છે. પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હંમેશા ગુરુ સામે જ હતી. પ્રમુખસ્વામી મહારાજના રોમે રોમમાં ભગવાન હતા અને તેઓ અવિનાશી હતા માટે તેઓ આ પૃથ્વી પરથી ગયા જ નથી અને આજે પણ તેઓ આપણી સાથે છે અને સદાય આપણી સાથે રહેશે. સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી તેમજ ગુરુ પરંપરાના આશીર્વાદ અને દયાથી આ શતાબ્દી મહોત્સવ શાનદાર ઉજવાઈ ગયો છે.

આ મહોત્સવની ફળશ્રુતિ એ છે કે આપણા જીવનમાં પણ પ્રમુખસ્વામી મહારાજની જેમ નિયમધર્મ ,ભગવાનમાં શ્રદ્ધા સેવા , સમર્પણ વગેરે જેવા ગુણો આપણાં જીવનમાં દ્રઢ થાય. જેણે જેણે આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહકાર આપ્યો છે તેને ભગવાન સુખિયા કરે તેવી પ્રાર્થના. સંતો અને સ્વયંસેવકો કરેલી નિઃસ્વાર્થ સેવા કદીય ના ભુલાય તેવી છે અને સૌએ હિંમત અને બળ રાખીને તેમજ નમ્રતાથી સેવા કરી છે.”લાખોની ભક્તમેદનીએ આરતીના નાદ સાથે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે જયજયકારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

LEAVE A REPLY