બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ સહિત સંસ્થાનના વિવિધ મંદિરોમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જન્મ મહોત્સવે 54 શિક્ષિત યુવાનોએ દીક્ષા લીધી
બીએપીએસના વડા મહંતસ્વામી મહારાજના હસ્તે બે તબક્કામાં યોજાનાર દીક્ષા મહોત્સવના પ્રથમ દિવસે 54 શિક્ષિત નવયુવાનોએ ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરીને પરિજનોનો ત્યાગ કરી વસુંધૈવં કુટુબકમનો પંથ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
દીક્ષા લેનાર 14 વિદેશના, 29 સ્નાતક, 42 એન્જિનિયર, 13 પોસ્ટગ્રેજ્યુએટ ઉપરાંત 46 યુવાનો પોતાના માતા-પિતાના એકના એક સંતાન છે.
દીક્ષાર્થીઓને આશીર્વાદ પાઠવતા મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતુ કે, પ્રમુખસ્વામી મહારાજના જન્મ મહોત્સવે આજે યુવાનોએ દીક્ષા લઇ રહ્યા છે એ પોતાનું અને બીજા હજારોનું કલ્યાણ કરશે. પ્રમુખસ્વામી મહારાજ એવા સંત હતા કે એમના જીવનમાંથી સૌને પ્રેરણા મળે છે અને ત્યાગના પંથે આગળ વધે છે. આવા યુવાન અને પવિત્ર સંતો આપણા દેશનું અને સંસ્કૃતિનું ગોરવ વધારશે.
ઉલ્લેખનીય છે કે, બે તબક્કામાં દીક્ષા લેનાર કુલ 109 યુવાનોએ સારંગપુરસ્થિત ચાર દાયકાથી કાર્યરત બીએપીએસના સંત તાલીમ કેન્દ્ર ખાતે ત્રણ વર્ષની સઘન તાલીમ મેળવી છે. આ પ્રશિક્ષણ કેન્દ્રમાં ધાર્મિક શાસ્ત્રો સહ વિવિધ ધર્મોના તત્વ જ્ઞાનનો અભ્યાસ ઉપરાંત તપ, સેવા, સંયમ જેવા પાઠની સાથે સંગીત, રસોઇ કળા, મેનેજમેન્ટ જેવા અનેક વિષયોના અભ્યાસના અંતે ઉત્તિર્ણ થઇ પાત્રતા મેળવવી જરૂરી હોય છે. સ્વામિનારાયણીય પરંપરા અને પ્રમુખસ્વામી મહારાજના પદ ચિન્હો અનુસાર સન્યાસ એટલે ગૃહત્યાગ કરીને વેરાન વન કે હિમાલયની ખીણમાં રહેવા પૂરતું સીમિત નહી પરંતુ સમાજના દુ:ખે દુ:ખી થઇને સમાજ સેવા સાથે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી એકાંતિક થવુ. સુવિદિત છે કે જ્યારે જ્યારે સમાજ પર અતિવૃષ્ટિ, પુર ભૂકંપ જેવી કુદરતી આફતો કે તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના કાળમાં આ કેન્દ્રમાં તાલીમ પામેલા સંતો સમાજ સેવામાં લાગી ગયા હતા. આ પ્રસંગે સંસ્થાના સદગૂરૂ સંતો, વડીલ સંતો, સહ વિવિધ મંદિરોમાંથી પાંચસોથી ઉપરાંત સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત દીક્ષાર્થી યુવાનોના પરિજનો અને સ્નેહીજનો પણ ઉત્સાહ અને ઉમંગથી સહભાગી થયા હતા.
પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનની ઝરમર
એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પળેપળ બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પ્રમુખસ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના આ પાંચમા ગુરુદેવ મહાન સંતનો જન્મ એક ખેડૂત પરિવારમાં તા. 7 ડિસેમ્બર, 1921ના રોજ વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળવયનું નામ હતું – શાંતિલાલ. અને સાચે જ, શાંતિ એમના વ્યક્તિત્વનો પરિચય હતો. બાલ્યકાળથી જ હિમાલયમાં જઈને આધ્યાત્મિક સાધના કરવાની તેમને લગની હતી. કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યક્તિત્વથી તેઓ આકર્ષાયા. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરીને 18 વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈને સન 1940માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા. જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિઃસ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા. ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યા.
સન 1971માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે ગુરુપદે બિરાજમાન થયા ત્યારથી અસંખ્ય લોકોના આધ્યાત્મિક પ્રેરણામૂર્તિ બન્યા અને અસંખ્યના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચી. ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’ – આ જીવનસૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવાકાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને તેઓ અસંખ્ય લોકોના તારણહાર બન્યા. લોકસેવા માટે જીવનભર પરિવ્રાજક રહીને તેઓ અવિરત 17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં ઘૂમતા રહ્યા. અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં.
ભેદભાવોથી પર આ વાત્સલ્યમૂર્તિ સંતે બાળકો-યુવાનો અને વૃદ્ધો, સાક્ષરો અને નિરક્ષરો, દલિતો-આદિવાસીઓ કે દેશ-વિદેશના ધુરંધરો સૌ કોઈને સમતાથી ચાહ્યા છે. આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સંસ્થા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સૂત્રધાર સ્વામીશ્રીએ, કઠિન પુરુષાર્થ અને નિઃસ્વાર્થ પ્રેમ દ્વારા એક વિરાટ ચારિત્ર્યવાન યુવાસમાજ તૈયાર કર્યો છે અને તેને રચનાત્મક માર્ગે વાળ્યો છે. સ્વામીશ્રીની વિનમ્ર અને પરગજુ પ્રતિભાથી પ્રભાવિત થઈને વિશ્વના અનેક ધર્મગુરુઓ અને આંતરરાષ્ટ્રીય ધુરંધરોએ તેમને એક મહાન સંતવિભૂતિ તરીકે હૃદયથી બિરદાવ્યા છે. અનેક મુમુક્ષુઓએ તેમના સાંનિધ્યમાં પરમાત્માની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ આધ્યાત્મિક શિખર પ્રાપ્ત કર્યું છે અને અનેક કરી રહ્યા છે.