શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે. દ્વારા 21મી મે 2023ને રવિવારના રોજ બર્મિંગહામના રાધા સ્વામી રસીલા સત્સંગ કેન્દ્ર ખાતે 10મા સિનિયર્સ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પ્રજાપતિ એસોસિએશન (SPA) બર્મિંગહામના અન્ય 70 સ્વયંસેવકો સાથે યુ.કે.ના 14 વિવિધ શહેરો અને નગરોના 650 જેટલા આદરણીય વડીલોએ ભાગ લીધો હતો.
સવારના સત્રમાં મનુભાઈ મિસ્ત્રી (ટેમસાઈડ) અને હંસાબેન (લુટન) દ્વારા હનુમાન ચાલીસાનું ગાન કરાયું હતું. તે પછી વરિષ્ઠ સમિતિના અધ્યક્ષ બળવંતભાઈ મિસ્ત્રી (લંડન) દ્વારા ઉષ્માભર્યું સ્વાગત પ્રવચન કરાયું હતું. SPA બર્મિંગહામ બ્રાન્ચના રસિકભાઈ પટેલ, અંબાલાલભાઈ મિસ્ત્રી, નયનાબેન મિસ્ત્રી, સુશીલાબેન મિસ્ત્રી અને જમનાબેન મિસ્ત્રીએ “આજ અમારા આંગણીયાને પવન કરવા પધારો’’ સ્વાગત ગીત ગાઇને શ્રોતાઓનું સ્વાગત કર્યું હતું.
એજ યુકેના સર્વિસ મેનેજર સુકી બીનિંગ અને એજ યુકેના હેડ ઓફ ઓપરેશન્સ સદાફ અઝીમે અંગ્રેજી અને હિન્દીમાં પ્રી-રિટાયરમેન્ટ અને પોસ્ટ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ખૂબ જ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં એકલતા, ગરીબી, આવાસની જાળવણી, આરોગ્યમાં ઘટાડો, માનસિક સ્વાસ્થ્યને આવરી લેવામાં આવ્યા હતા. SPA UK એ એજ UK ને દાન તરીકે £250નો ચેક અર્પણ કર્યો હતો. SPA વોલ્સલ શાખાએ બે સુંદર ભજનો રજૂ કર્યું હતું.
આ પ્રસંગે 100 વર્ષ પૂર્ણ કરનાર મણીબેન નારણભાઈ હરી (વોલ્સોલ) અને નારણભાઈ પુરષોત્તમભાઈ મિસ્ત્રી (લંડન)નું ભેટ આપી સન્માન કરાયું હતું. બપોરના ભોજન પહેલાં, SPA લેસ્ટર શાખાની કેટલીક મહિલાઓએ “ચલો ગરબા ફિટ કરવા” નામનો મનોરંજક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
બપોરના ભોજન પછી, પુષ્પાબેન મિસ્ત્રી (લુટન)એ વરિષ્ઠોને વ્યસ્ત રહેવા માટે વિકસાવેલા વિવિધ શોખ પર ચર્ચાનું નેતૃત્વ કર્યું હતું. નવી સિનિયર્સ કમિટી માટેની ચૂંટણીમાં અનિલભાઈ મિસ્ત્રી (લુટન) અધ્યક્ષ તરીકે, મનહરભાઈ મિસ્ત્રી (લેસ્ટર) સેક્રેટરી તરીકે અને કલાબેન મિસ્ત્રી અને રંજનબેન ગોસાઈ (લેસ્ટર) સહાયક તરીકે ચૂંટાયા હતા.
ચૂંટણી પછી લંડન શાખા દ્વારા પ્રસ્તુત કોમેડી સ્કેચ “નિવૃતિ બાદ પ્રવૃતિ” રજૂ કરાયું હતું. તો પિયુષભાઈ મિસ્ત્રી (બર્મિંગહામ)એ સાયબર ક્રાઈમ બાબતે સલાહ આપી હતી. વાર્તાલાપ પછી બ્રેડફોર્ડ શાખા દ્વારા કેટલાક “રામુજી ભજનો” રજૂ કરાયા હતા. તો ધનસુખભાઈ મિસ્ત્રી (બર્મિંગહામ)એ ઉત્તમ ભજનો અને જૂની ગઝલો રજૂ કરી હતી. SPA UK ના પ્રમુખ કમલેશભાઈ સી મિસ્ત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.