અઝરબૈજાનના બાકુમાં ગયા સપ્તાહે પૂર્ણ થયેલી FIDE વર્લ્ડ કપ ચેસની ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન, નોર્વેના મેગ્નસ કાર્લ્સનને નિયત ગેમ્સમાં ડ્રોમાં ખેંચી ગયા પછી ભારતનો યુવા ગ્રાંડ માસ્ટર આર. પ્રજ્ઞાનંદ ટાઈબ્રેકરમાં પરાસ્ત થયો હતો અને તેણે રનર્સ અપના ખિતાબથી સંતોષ માનવો પડ્યો હતો.
ટાઈ બ્રેકરમાં કાર્લ્સને પ્રથમ 25 મિનિટની ઝડપી રમત જીતી હતી. બીજી ગેમ ડ્રો થતાં કાર્લ્સન વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. ભારતના 18 વર્ષીય પ્રજ્ઞાનંદે ગયા સપ્તાહે જ સોમવારે સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પ્રજ્ઞાનંદે જો કે, કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ 2024માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. કાર્લ્સન અને બોબી ફિશર પછી તે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પહોંચનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે. એ સ્પર્ધામાં રમનારો તે વિશ્વનાથન આનંદ પછી બીજો ભારતીય બનશે. તે વર્લ્ડ કપ ફાઇનલમાં રમનારો સૌથી યુવા ખેલાડી પણ છે.