જિન્જા, યુગાન્ડાના વતની અને બ્રિટનના જાણીતા સામાજીક અગ્રણી શ્રી પ્રફુલભાઈ રાવજીભાઈ પટેલનું બુધવાર 16 ઓગસ્ટ 2023ના રોજ મુંબઈમાં 84 વર્ષની વયે અવસાન થયું છે. યુગાન્ડાથી હાંકી કઢાયેલા હજ્જારો લોકોના અધિકારોની લડત માટે જાણીતા પ્રફુલ્લ પટેલે ભારત-બ્રિટિશ સંબંધો તથા ભારતમાં રોકાણોને પ્રોત્સાહન આપવા, માનવ અધિકારોની હિમાયત કરવા, આયુર્વેદ ચિકિત્સા માટે ઝુંબેશ, અસંખ્ય ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટોમાં હિંદુ મૂલ્યોને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
મૂળ આણંદ જીલ્લાના સોજિત્રાના વતની રાવજીભાઈ પટેલ (જીંજા) અને મણિબેનનાના પુત્ર પ્રફુલભાઈ પટેલે 1972માં યુગાન્ડાથી હિજરત કરીને યુકે આવનારા હજારો સાઉથ એશિયન દેશોના વતનીઓને ખૂબ જ જહેમત ઉઠાવી યુકેમાં સેટલમેન્ટ માટે મદદ કરી હતી. તેમણે યુકે ઇમિગ્રન્ટ્સ એડવાઇઝરી સર્વિસમાં સેવા આપી હતી.
પ્રફુલભાઈ પટેલના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટના રોજ બાણગંગા મુંબઈ ખાતે સંપન્ન થયા હતા અને ગોંડલ ખાતે તેમના આસ્થિ વિસર્જન કરવામાં આવશે. સ્વ. પ્રફુલભાઈના આત્માની શાંતિ અર્થે એક પ્રાર્થના સભાનું આયોજન રવિવાર 20 ઓગસ્ટના રોજ સાંજે વાય.બી. ચૌહાણ હોલ, નરીમાન પોઈન્ટ, મુંબઇ ખાતે કરાયું હતું. જેમાં પ્રત્યક્ષ રહીને તેમજ ઝૂમ દ્વારા વિશ્વભરના લોકોએ ભાગ લીધો હતો અને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓ ગરવી ગુજરાત સાપ્તાહિક અને સ્વ. તંત્રી શ્રી રમણિકલાલ સોલંકીના ખાસ મિત્ર અને સમર્થક હતા અને વર્ષો સુધી તેઓ પરસ્પરના સાથી બની રહ્યા હતા.
સ્વ. પ્રફુલ્લભાઇએ યુગાન્ડામાં યુગાન્ડા સ્ટુડન્ટ્સ યુનિયનની સ્થાપના કરી હતી અને દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ યુથ એસેમ્બલીમાં યુગાન્ડાના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. 1972માં એડવર્ડ હીથ સરકાર દ્વારા ઉચ્ચ સત્તાવાળા યુગાન્ડન રીસેટલમેન્ટ બોર્ડમાં એકમાત્ર એશિયન સભ્ય તરીકે તેમને આમંત્રિત કરાયા હતા. જેમાં તેમણે સાડા ત્રણ વર્ષ સેવા આપી હતી. તેમની ગણના લઘુમતી અધિકારોના રક્ષણ માટે બ્રિટનના સૌથી સમર્પિત કાર્યકરોમાંના એક તરીકેની હતી. તેમણે દેશના અન્યાયી ઇમિગ્રેશન કાયદા દ્વારા બ્રિટનમાં પ્રવેશ નકારવામાં આવ્યો હોય તેવા ઇસ્ટ આફ્રિકાના બ્રિટિશ એશિયન સમુદાયોના રક્ષણ અને સહાયતા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. સ્વૈચ્છિક સલાહકાર તરીકે તેઓ વર્ષમાં લગભગ 300-400 કેસ સંભાળતા હતા.
તેમણે યુકે સિટીઝનશિપ (1968-1982) પર ઓલ પાર્ટી બ્રિટિશ સંસદીય સમિતિના માનદ સચિવ તરીકે કામ કર્યું હતું. બ્રિટિશ એશિયનોના અધિકારો માટે અનુગામી સરકારો પર દબાણ લાવનાર સમિતિ માટે ઘણા વર્ષો સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 1968/69 દરમિયાન કેન્યા અને દિલ્હીની મુલાકાતો લઇ ભારત-બ્રિટિશ દ્વિપક્ષીય ચર્ચાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે યુકે ઇમિગ્રન્ટ્સ એડવાઇઝરી સર્વિસના સ્થાપક સભ્ય અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય (1970-1982) તરીકે કામ કર્યું. માનવ અધિકાર, નાગરિક સ્વતંત્રતા, ઇમિગ્રેશન, નાગરિકતા અને જાતિ સંબંધના મુદ્દાઓ પર તેમની ગણના નિષ્ણાત તરીકે થતી હતી.
1958માં લેબર પાર્ટીમાં જોડાયા બાદ તેઓ લેબર પાર્ટીના વોર્ડ સેક્રેટરી અને જીએમસીના પ્રતિનિધિથી લઈને જીતી ન શકાય તેવી બ્રેન્ટ નોર્થની સંસદીય બેઠકના ઉમેદવાર તરીકે 1987માં ઉત્સાહી અને મહેનતુ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને તેમણે લેબરનો વોટ શેર 3 ટકા જેટલો વધાર્યો હતો. તેમણે સાથી ઉમેદવારો કેન લિવિંગસ્ટન અને પોલ બોટેંગને અન્ય બે બ્રેન્ટ મતવિસ્તારમાં લઘુમતી એશિયન સમુદાયોના વોટ દ્વારા જીત અપાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત તેમણે લેબર પાર્ટીને સમર્થન, પ્રચાર અને ફંડીંગમાં પણ મદદ કરી હતી. 1968માં કલાઘાનના જાતિવાદી કેન્યાઝ એશિયન બિલના વિરોધમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું પણ લેબરે તેની નીતિઓમાં સુધારો કર્યા પછી 1976માં ફરીથી પાર્ટીમાં જોડાયા હતા. 1988માં તેઓ ચાર્ટર88ના સ્થાપક સીગ્નેટરીઝ હતા અને તેમને ચાર્ટરની પ્રથમ કાઉન્સિલમાં કો-ઓપ્ટ કરાયા હતા. તેમણે નીલ અને ગ્લેડીસ કિનોક સહિતના લેબર પ્રતિનિધિઓની ભારતની મુલાકાતોનું આયોજન પણ કર્યું હતું.
પ્રફુલ્લ પટેલ પ્રતિબદ્ધ શાકાહારી, ટીટોટલર અને નોન-સ્મોકર હતા. તેમણે ધાર્મિક, સાંસ્કૃતિક અને સખાવતી જીવનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ ક્રિકેટના શોખીન હતા અને તેમની પાસે ભગવાન ગણેશની મૂર્તિઓના વિશાળ સંગ્ર હ હતો. 1980ના દાયકા દરમિયાન તેમણે ભારત અને બ્રિટનની મુલાકાત લેનાર તમામ જાતિના બ્રિટનના કલાકારો સાથે ‘નૃત્ય નાટિકા રામાયણ’ નૃત્ય-નાટકનું નિર્માણ કર્યું હતું. પ્રિન્સ ઑફ વેલ્સે બ્રિટિશ ચેરિટી પ્રીમિયરમાં હાજરી આપી હતી. બેન કિંગ્સલેએ શોના વિડિયો માટે અંગ્રેજી કોમેન્ટ્રી આપી હતી.
પ્રફુલભાઇ ફેબિયન સોસાયટી, વોર ઓન વોન્ટ, લિબર્ટી અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના પણ સભ્ય હતા. તેમણે 1991થી આફ્રિકન મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન (AMREF)ના ટ્રસ્ટી, એશિયન હેલ્થ પર DHSS વર્કિંગ પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય અને સિટી લિટ કૉલેજના ગવર્નર તરીકે પણ સેવાઓ આપી હતી.
પ્રફુલ્લ પટેલે NRI રોકાણો પર ભારત સરકારની સલાહકાર સમિતિ (1986-1991)માં અને મુંબઈમાં યોજાયેલ ‘ઈન્ડિયા કૉલિંગ’ ઓવરસીઝ ઈન્ડિયન્સ કોન્ફરન્સના સહ-અધ્યક્ષ તરીકે, ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટ 40મી એનિવર્સરી બ્રિટિશ યુગાન્ડા એશિયન્સ સેલિબ્રેશન કોર કમિટી 2012ના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમણે ઈન્ડો-બ્રિટિશ કલ્ચરલ એક્સચેન્જની સ્થાપના કરી હતી. તેમણે ઇન્ટરનેશનલ આયુર્વેદ ફાઉન્ડેશન – યુકે, ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ; બાયોમેડિકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા – ભારત; ઈન્ડો-બ્રિટિશ કલ્ચરલ એક્સચેન્જ – યુકે અને ઈન્ડિયા, કૈલાસ માનસરોવર ફાઉન્ડેશન – ઈન્ડિયા; કૈલાસ માનસરોવર ટ્રસ્ટ – યુકે; કન્ફેડરેશન ઓફ ઓવરસીઝ ઇન્ડિયન – ઇન્ડિયા; ઈન્ડિયા ઓવરસીઝ ટ્રસ્ટ – UK અને માનવ ટ્રસ્ટ – UKના ડિરેક્ટર/ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી. તેમણે ભારત, યુકે અને યુએઈમાં ઘણી કોર્પોરેટ અને રોકાણ કંપનીઓના ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી.
સંપર્ક: મુકુંદભાઈ આરસી પટેલ (ભાઈ): 020 7739 9555 અને દિપ્તેશ એમ પટેલ (ભત્રીજો): 07803 136 230.