લંડનને ખરેખર કોણ ચલાવી રહ્યું છે? લંડનના મેયર સાદિક ખાન કે પછી વડાપ્રધાન બોરિસ જહોન્સન? ટી.એફ.એલ.થી લઇને પ્લાનીંગ લોઝ સુધીની વાત કરીએ તો મેયર સાદિક ખાનના સાથીઓ કહે છે કે વડા પ્રધાનની નીતિ રીતિ મેયરના પ્રભાવને સતત ઘટાડી રહ્યા છે.
ખાનના સાથીદારો ફરિયાદ કરી રહ્યા છે કે પરિવહન, આવાસ, પોલીસિંગ, આયોજન તેમજ ભંડોળ પર મેયરની મહત્ત્વની સત્તાઓ છે. પરંતુ આ અંગે શ્રેણીબદ્ધ અથડામણો થઇ ચૂકી છે અને તેમાં મેયર જ નહિં તેમના ઑફિસ સ્ટાફ પર પણ હુમલો થાય છે.
વડા પ્રધાન જ્હોન્સન મેયર હતા તેથી તેમને વ્હાઇટ હોલ અંગે વધારે ખબર છે અને તેથી તેઓ રાજધાની પર પોતાનુ નિયંત્રણ વધારવા માટે વ્હાઇટહોલમાં તેમની સ્થિતિનો ઉપયોગ કરી રહ્યા છે. તે વખતે સિટી હૉલના મેગ્નિફીસન્ટ સેવન’ ગણાતા મુનીરા મિર્ઝા, એડી લિસ્ટર, એન્ડ્ર્યુ ગિલિગન; કિટ માલ્થહાઉસ, સ્ટીફન ગ્રીનહાલ્ગ, જેમ્સ ક્લેવર્લી અને જ્હોન્સન જાતે જ બધો વહીવટ કરી રહ્યા છે.
એક વરિષ્ઠ લેબર સ્રોતે જણાવ્યું હતું કે “તેઓ લંડનનું ભંડોળ કાપીને મેયરની શક્તિને મર્યાદિત કરી રહ્યા છે.”
ખાનની મુખ્ય યોજનાઓ અને આવાસોની દરખાસ્તો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીક દ્વારા નિંદા કરવામાં આવી હતી. ઇંગ્લિશ પ્લાનિંગ લોઝના કાયદામાં પ્રસ્તાવિત મોટા ફેરફારો કરી લંડનના મેયરની સત્તા ઓછી કરાતી હોવાનું જણાય છે. એવી પણ ફરિયાદો છે કે લંડનને સરકારના £900 મિલિયનના બિલ્ડિંગ ફંડમાંથી માત્ર 2% રકમ મળી છે. પોલીસિંગમાં પણ પાવર ઘટાડવાના આક્ષેપો જોવા મળ્યા છે.
ખાનના લેબરના સાથીઓ માને છે કે આવતા વર્ષે મેયરપદ જીતવાની કોઈ તક ન હોવાથી કન્ઝર્વેટિવ્સ “દેશના બાકીના ભાગમાં તેમની સ્થિતિને સુધારવા માટે લંડનને હરાવવા માગે છે”.