)

કાનૂની સ્થળાંતરના આંકડાને રોકવાના પ્રયાસ તરીકે યુકેમાં દરેક વિદેશી વિદ્યાર્થીને ડિગ્રી કોર્સ પછી બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપતો પોસ્ટ-સ્ટડી વિઝા તરીકે ઓળખાતો રૂટ બંધ કરવાની વિચારણા કરી રહેલા વડા પ્રધાન ઋષિ સુનક સામે તેમની પાર્ટી અને કેબિનેટમાંથી સખત વિરોધ થઇ રહ્યો છે. તો બીજી તરફ લગભગ 30 યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની એસોસિએશન (NISAU) UK, તથા વિવિધ બિઝનેસીસે વિગતવાર પત્રો લખી 10 ડાઉનિંગ સ્ટ્રીટને આ પ્રતિબંધ મૂકવા સામે વિચારણા કરવા અપીલ કરી છે.

પુરાવા સૂચવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ આવા કોઈપણ પ્રતિબંધથી સૌથી વધુ પ્રભાવિત થશે. 2021 અને 2023ની વચ્ચે ભારતીયોએ 89,200 વિઝા મેળવ્યા હતા જે કુલ સંખ્યાના 42 ટકા હતા. 2021માં શરૂ કરાયેલા આ પોસ્ટ-સ્ટડી વિઝાની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થયો છે અને તેમાં ભારતીય વિદ્યાર્થીઓ ટોચ પર છે. યુકેની યુનિવર્સિટીઓને પસંદ કરવા માટે આ રૂટ નિર્ણાયક પરિબળ છે.

સુનકના એજ્યુકેશન સેક્રેટરી ગિલિયન કીગન, ચાન્સેલર જેરેમી હન્ટ અને ફોરેન સેક્રેટરી ડેવિડ કેમરન કેબિનેટમાં રહીને આ મુદ્દા પર બળવો કરી રહ્યા હોવાનું કહેવાય છે. યુનિવર્સિટી અને બિઝનેસ લીડર્સે ચેતવણી આપી છે કે અભ્યાસ પછીની ઓફરમાં કોઈપણ ઘટાડો ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓ માટે યુકેને ઓછું આકર્ષક બનાવશે.

કન્ફેડરેશન ઑફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રી (CBI)ના મુખ્ય પોલીસી અને કેમ્પેઇન અધિકારી જ્હોન ફોસ્ટરે જણાવ્યું હતું કે  “યુનિવર્સિટીમાં અભ્યાસ એ બ્રિટનની સૌથી મોટી એક્સપોર્ટ સફળતાઓમાંની એક છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવાથી સ્થાનિક અર્થવ્યવસ્થામાં વધારો થાય છે અને આ સ્પર્ધાત્મક પરિબળને ગુમાવવાથી દેશના ખુદના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું શિક્ષણ અને નવીનતાઓને જોખમમાં મુકવામાં આવશે.”

ગ્રેજ્યુએટ વિઝા સ્કીમને યથાવત રાખવાની તરફેણમાં શ્રેણીબદ્ધ પરિબળોની યાદી આપતા નોર્થ ઇંગ્લેન્ડના સન્ડરલેન્ડથી શેફિલ્ડ, લીડ્સથી લેન્કેસ્ટર, લિવરપૂલથી ટીસાઇડ, બ્રેડફર્ડથી હડર્સફિલ્ડ અને યોર્કથી ન્યૂકેસલ સુધીની યુનિવર્સિટીઓના ચાન્સેલર્સ જોડાયા હતા.

વિવિધ યુનિવર્સીટીઓના ચાન્સેલર્સે વડા પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘’આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુકેના અર્થતંત્રને ઘણા લાભો કરાવે છે. આ રૂટને હટાવવાથી સમગ્ર વિશ્વના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે યુકે ઓછું આકર્ષક બનશે અને આથી દેશભરની યુનિવર્સિટીઓને નોંધપાત્ર નાણાકીય નુકસાન થશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની ટ્યુશન ફીની સ્થિર આવક યુકેના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના શિક્ષણને મદદ કરે છે અને હાલમાં તે વધુને વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. યુનિવર્સિટીઓ યુકેના અંડરગ્રેજ્યુએટ્સને અમુક પ્રકારના વૈકલ્પિક ભંડોળના સ્ત્રોત વિના ભણાવવાના ખર્ચને નિભાવી શકતી નથી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોકરી વ્યવસાય દ્વારા વાર્ષિક આવકવેરો, નેશનલ ઇન્સ્યોરંશ અને VAT દ્વારા બિલીયન્સ પાઉન્ડનું યોગદાન આપે છે. આ ઉપરાંત તેઓ NHS સરચાર્જ મારફતે NHSમાં પણ ફાળો આપે છે.’’

યુકેની અગ્રણી યુનિવર્સિટીઓના રસેલ ગ્રૂપના સીઇઓ ટિમ બ્રેડશોએ ચેતવણી આપી હતી કે વિદ્યાર્થીઓ પર આશ્રિત પરિવારના સભ્યોને લાવવા પરના પ્રતિબંધને પગલે આ સપ્ટેમ્બરથી શરૂ થતા પોસ્ટ-ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની આંતરરાષ્ટ્રીય અરજીઓમાં પહેલેથી જ 10 ટકાનો ઘટાડો થયો છે.’’

વિઝા રૂટની સમીક્ષા કરવાના સરકારના નિર્ણયને કારણે ઉભી થયેલી “ઝેરી” અનિશ્ચિતતાને સમાપ્ત કરવા હાકલ કરતા યુનિવર્સિટીઝ યુકે (UUK)ના ચીફ એક્ઝિક્યુટિવ વિવિયન સ્ટર્ને જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે સરકાર આપવામાં આવેલી સલાહ સાંભળશે અને ગ્રેજ્યુએટ વિઝા અહીં રહેવા માટે છે તેની સ્પષ્ટ ખાતરી આપે છે.”

ભારતીય વિદ્યાર્થીઓની સંસ્થા નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) UKએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે “કન્સલ્ટન્સી લંડન ઇકોનોમિક્સનું મોડેલિંગ દર્શાવે છે કે વિદેશી વિદ્યાર્થીઓ યુકેના અર્થતંત્રને £37 બિલિયનનો ચોખ્ખો આર્થિક લાભ કરાવે છે; બ્રિટનના આંતરરાષ્ટ્રીય સ્નાતકો દેશ માટે સમયાંતરે જે સોફ્ટ પાવર ઉત્પન્ન કરે છે, તેમાં વેપાર અને મુત્સદ્દીગીરીના સંબંધોને આગળ વધારવાનો સમાવેશ થાય છે. ખરેખર, 70 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ અમને કહ્યું છે કે અર્થપૂર્ણ કાર્ય અનુભવ મેળવવાની ક્ષમતા એ સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય સ્થળો વચ્ચે પસંદગી કરવાના તેમના નિર્ણયમાં એક મહત્વપૂર્ણ તત્વ છે, જેમાંથી યુકે એક છે. ગ્રેજ્યુએટ રૂટ આ મેળવવાની તક આપે છે. આનો અર્થ એ છે કે સ્થળાંતરના લાંબા ગાળાના ચિત્રના સંદર્ભમાં વિદ્યાર્થીઓ કે ગ્રેજ્યુએટ વિઝા ધારકોને ‘ઇમિગ્રન્ટ્સ’ ગણવા જોઇએ નહીં.”

NISAU UK ના વિગ્નેશ કાર્તિકે જણાવ્યું હતું કે “આ રૂટની સમીક્ષાના કારણે અનિશ્ચિતતા અસ્તવ્યસ્ત છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે MAC ના તારણોને સ્વીકારે અને યુકેની ઇમિગ્રેશન સિસ્ટમમાં ગ્રેજ્યુએટ રૂટ સ્થિર અને કાયમી રહે તે સુનિશ્ચિત કરે.”

પ્રભાવશાળી માઇગ્રેશન એડવાઇઝરી કમીટી (MAC) એ સરકારને આ યોજના ચાલુ રાખવાની સલાહ આપતાં કહ્યું હતુ કે ગ્રેજ્યુએટ વિઝા સરકારના પોતાના નીતિગત ઉદ્દેશ્યોને હાંસલ કરી રહ્યા છે અને પોસ્ટ-સ્ટડી વર્ક ઑફરનો કોઈ દુરુપયોગ જોવા મળ્યો નથી.

LEAVE A REPLY