પૂલ ડોરસેટમાં પોસ્ટમિસ્ટ્રેસ તરીકે સેવા આપતા તૃષા શાહ પોસ્ટ માસ્ટર્સને ચોર કે કૌભાંડી ઠેરવી જેલમાં નાંખવા સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો હતો તેનાથી ખૂબ જ રોષે ભરાયેલા છે.
ત્રણેક વર્ષ પહેલા જ પોસ્ટમિસ્ટ્રેસ બનેલા તૃષાબેન કહે છે કે ‘’બનાવ ઘણાં સમય પહેલા બનેલો છે પરંતુ અખબારો અને સંબંધીત ગૃપ દ્વારા જે માહિતી મળી રહી છે તે ખૂબ જ તકલીફ આપી રહી છે. કોઇ પણ જાતનો ખોટો વ્યવહાર કે ઉચાપત ન કરી હોવા છતાં પોસ્ટ માસ્ટર્સને ચોર કે કૌભાંડી ઠેરવી પોલીસ ફરિયાદો કરી જેલમાં નાંખવામાં આવ્યા હતા. તેમને પોતાના વિલેજીસ અને ધંધો વ્યાપાર છોડવા પડ્યા હતા. લોકો પોતાનું મોઢુ બતાવી શકે તે સ્થિતીમાં ન હતા. જેમની સામે કોઇ આક્ષેપ નહતા તેવા લોકો પર પણ પ્રશ્નોનો મારો ચલાવવામાં આવતો હતો. લોકો લાજ શરમના કારણે સ્ટ્રેસ અને બીમારીઓનો ભોગ બન્યા હતા અને કેટલાક લોકો પોતાની આવરદા કરતા પહેલા મરણ પામ્યા હતા.’’
એક તબક્કે પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને સીસ્ટમ સાથે સંકળાયેલા લોકોને ખબર પડી હતી કે ખોટુ થઇ રહ્યું છે પરંતુ તેઓ મૂક બનીને બેસી રહ્યા હતા. આવા મૌન બેસી રહેનારા લોકોને સજા થવી જોઇએ. આજે પોસ્ટ ઓફિસ અને સીસ્ટમ ખૂબ જ સતર્ક છે અને કોઇ નાની-મોટી ભૂલ માટે પૂરતી તપાસ કરીને નિર્ણય લેવાય છે. જો આટલી તકેદારી પહેલા રાખી હોત તો આવું થયું ન હોત.’’
તેમણે જણાવ્યું હતું કે ‘’કૌભાંડ અંગે જનજાગૃતિ આણનાર પત્રકાર નિક વોલીસને હું ધન્યવાદ આપું છે જેઓ પોસ્ટ માસ્ટર્સને ન્યાય અપાવવામાં સફળ થયા હતા. જો કે આ કૌભાંડના કારણે પોસ્ટ ઓફિસની બ્રાન્ડને ખૂબ જ નુકશાન થયું છે.‘’