હોરાઇઝન આઇટી સીસ્ટમના કારણે કેટલાય પોસ્ટમાસ્ટર્સની જંદગી નર્ક જેવી બનાવી દેનાર પોસ્ટ ઓફિસના જવાબદાર લોકોને આકરી સજા થવી જોઇએ એવી માંગણી પોસ્ટ ઓફિસ ફેડરેશનના કમીટી મેમ્બર અને એક સમયે 70 પોસ્ટ ઓફિસ ચલાવનાર સંગીતાબેન પટેલે કરી હતી.
સાઉથ લંડનના વિમ્બલ્ડન અને પટની ખાતે બે મોટી પોસ્ટ ઓફિસ સહિત કુલ ત્રણ પોસ્ટ ઓફિસ ચલાવતા સંગીતાબેને જણાવ્યું હતું કે ‘’દુ:ખની વાત એ છે કે તત્કાલિન પોસ્ટ ઓફિસ બોસ પૌલા વેનેલ્સ હોરાઇઝન આઇટી સીસ્ટમના કારણે કેટલાય પોસ્ટમાસ્ટર્સને ઘણું સહન કરવું પડ્યું છે તે જાણતા હતા. પરંતુ તેઓ પોતાની ફરજના ભાગ રૂપે કોઇ પણ નિર્ણય કે પગલું લીધા વગર જ રાજીનામુ આપીને ચાલ્યા ગયા હતા. જો તેમણે કોઇક પગલા લીધા હોત તો કેટલાય પોસ્ટ માસ્ટર્સને ચોરીના આરોપ સાથે પોતાના જીવ ગુમાવવા પડ્યા ન હોત.’’
સંગીતાબેન કહે છે કે ‘’મને ચલાવવા માટે આપવામાં આવેલી એક પોસ્ટ ઓફિસના શ્રીલંકન મૂળના બે બાળકોના યુવાન પોસ્ટમાસ્ટર પિતાએ તો આત્મહત્યા કરી હતી. તેમના પત્ની અને માંડ 6 માસના બાળકને હું તે જ પોસ્ટ ઓફિસમાં મળી હતી. મારો એ દિવસ કેવો હશે તેની કલ્પના તમે કરી શકો છો. મેં તે સમયે સંભાળેલી લગભગ મોટાભાગની પોસ્ટ ઓફિસીસના પોસ્ટમાસ્ટર્સ સસ્પેન્ડ થયેલા હતા. દરેકના સાચા કારણની તો મને ખબર ન પડે, પરંતુ પોસ્ટ ઓફિસની આઇટી સીસ્ટમ ખામીવાળી જરૂર હતી. ખૂદ મેં એક કેસમાં શોર્ટ થયેલી રકમના £3000 ભર્યા હતા. મારા બધા સ્ટાફના લાઇ ડીટેક્શન ટેસ્ટ કરાયા હતા જે બધા નોર્મલ આવ્યા હતા. મેં ઘણા બધા લોકોને હતાશ થતાં, બીમાર થતાં જોયા હતા. આવા નિર્દોષ પોસ્ટ માસ્ટર્સને ન્યાય જરૂર મળવો જ જોઇએ અને જે લોકો ખામી માટે જવાબદાર હતા તેમને સજા થવી જ જોઇએ.’’