ભારત સરકાર રૂ.12,000 (150 ડોલર)થી ઓછી કિંમતના સ્માર્ટફોનનું વેચાણ કરવા માટે ચાઇનીઝ કંપનીઓના પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યું છે. ભારતની આ યોજનાથી શાઓમી સહિતની ચીનની સ્માર્ટફોન બ્રાન્ડને ફટકો પડવાની ધારણા છે. સ્થાનિક સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે સરકાર આ હિલચાલ કરી રહી હોવાનું માનવામાં આવે છે. આ હિલચાલનો હેતુ વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ માર્કેટના લોઅર સેગમેન્ટમાં ચીનની કંપનીઓ પર નિયંત્રણો મૂકવાનો છે.

માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઇન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર જૂન ૨૦૨૨ સુધીના ત્રિમાસિક ગાળામાં ૧૫૦ ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોને ભારતના કુલ સ્માર્ટફોન માર્કેટના વેચાણ વોલ્યુમમાં ત્રીજા ભાગનો ફાળો આપ્યો હતો અને તેમાં ચીનની કંપનીઓનો હિસ્સો ૮૦% જેટલો હતો. શાઓમી, રિયલમી, ઓપ્પો જેવી હાઈ-વોલ્યુમ બ્રાન્ડ્સની ચિંતા મોદી સરકારની આ નીતિ સાથે વધી શકે છે.ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ૨૫% હિસ્સો ધરાવતા શાયોમીનું સૌથી મહત્વપૂર્ણ વિદેશી બજાર ભારત છે, જેમાં તેના ૬૬% સ્માર્ટફોનની કિંમત ૧૫૦ ડોલરથી ઓછી છે.