વિરોધ, વિવાદ અને નારાજગીના અહેવાલ વચ્ચે ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળે ગુરુવાર, 16 સપ્ટેમ્બરે બપોરે 1.30 કલાકે શપથ લીધા હતા. ગાંઘીનગરના રાજભવન ખાતે યોજાયેલા સાદા સમારંભમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કુલ 24 પ્રધાનોએ શપથ લેવડાવ્યા હતા, આમ મુખ્યપ્રધાન સાથે પ્રધાનમંડળમાં કુલ 25 સભ્યો છે, તેમાંથી 10 કેબિનેટ પ્રધાનો અને 14 રાજ્યકક્ષાના પ્રધાનો છે. નવી કેબિનેટમાં માત્ર બે મહિલાને સ્થાન મળ્યું છે.રાજ્યકક્ષાના પાંચ પ્રધાનોને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત સરકારમાં મુખ્યપ્રધાન પછી નંબર ટુ રહેશે.
કેબિનેટમાં જ્ઞાતિનું જોઇએ તો 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન પ્રધાન સામેલ છે. પ્રદેશવાર જોઇએ તો દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 7, સૌરાષ્ટ્રના 7 અને ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
ભાજપના હાઇકમાન્ડે જૂની રૂપાણી સરકારના તમામ પ્રધાનોને પડતા મૂકીને નો રિપિટ થીયરનો અમલ કર્યો હતો અને તેનાથી આંતરિક વિખવાદ પણ થયો હતો. નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતનું પ્રભુત્વ રહ્યું હતું,જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે જ્ઞાતિવાર સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
આ અગાઉ શપથગ્રહણ વિધીમાં સામેલ થવા માટે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજભવન પહોંચ્યા હતા, જ્યાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખભે હાથ મુકી તેમને આવકાર્યા હતા.
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ પ્રધાનને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર મુખ્યપ્રધાન જ નથી બદલાયા, પરંતુ સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. જૂના પ્રધાનમંડળમાં સામેલ અને કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા પ્રધાનમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.
પ્રધાનોના ખાતાની ફાળવણીઃ રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, વાઘાણીને શિક્ષણનો હવાલો
ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની ગુરુવાર, 16 સપ્ટેમ્બરે શપશવિધી યોજાયા બાદ સાંજે પ્રધાનોના ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે ભૂપેન્દ્ર પટેલની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક બાદ તમામ પ્રધાનોને ખાતાની ફાળવણી કરાઈ હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ પ્રધાનોને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો
વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, જીતુ વાઘાણીને શિક્ષણ, રાઘવજી પટેલને કૃષિ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમારને સામાજીક અને ન્યાય ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
કયા પ્રધાનને કયું ખાતુ
પ્રધાન ખાતું
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલઃ
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો
કેબિનેટ પ્રધાનો
રાજેન્દ્ર ત્રિવેદીઃ મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જીતુભાઈ વાઘાણીઃ શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાધ્યોગિક
ઋષિકેશ પટેલઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદીઃ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજી પટેલઃ કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
કનુ દેસાઇઃ નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
કીરીટસિંહ રાણાઃ વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશ પટેલઃ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદિપસિંહ પરમારઃ સામાજીક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ચૌહાણઃ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ
રાજયકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી
રમત- ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન
જગદીશ વિશ્વકર્મા
કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
બ્રીજેશ મેરજાઃ શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુ ચૌધરીઃ કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
મનીષાબેન વકીલઃ મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા
રાજયકક્ષાના પ્રધાનો
મુકેશ પટેલઃ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષાબેન સુથારઃ આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદ રૈયાણીઃ વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેર ડીંડોરઃ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કિર્તીસિંહ વાઘેલાઃ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમારઃ અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણાઃ સામાજિક ન્યાય અને અધિકારીતા
વિનોદ મોરડીયાઃ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવા માલમઃ પશુપાલન અને ગૌ સંવર્ધન