ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં વસતિ નિયંત્રણ ખરડાનો મુસદ્દો જારી કર્યા બાદ ગુજરાત સરકારે પણ આવા કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ ચાલુ કર્યો હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે ઉત્તપ્રદેશમાં રજૂ કરાયેલા પોપ્યુલેશન કંટ્રોલ બિલના ફાયદા અને ગેરફાયદાનો કેવા છે તેનો ગુજરાત સરકારે અભ્યાસ ચાલુ કર્યો છે. આ મુદ્દે હજુ કોઈ ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સરકાર નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો લેશે અને સામાન્ય નાગરિકોનો અભિપ્રાય પણ જાણશે.
ઉત્તરપ્રદેશ વસતિ નિયંત્રણ બિલના મુસદ્દામાં સરકારે બેથી વધુ સંતાનો ધરાવતા દંપત્તિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાથી માંડીને સરકારી નોકરીઓમાં અરજી કરવા પર રોક તેમજ સબસિડી સહિતના લાભ બંધ કરવાની દરખાસ્ત કરી છે.
ગુજરાતમાં 2005ના કાયદા મુજબ બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની મંજૂરી નથી. 2005માં ગુજરાત લોકલ ઓથોરિટીઝ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્ય (પંચાયત, મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણીમાં ઊભા નથી રહી શકતા.