વિશ્વ વસતિ દિવસ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રએ સોમવાર (11 જુલાઈ)એ જણાવ્યું હતું કે વિશ્વની વસ્તી 15 નવેમ્બરે 8 બિલિયન સુધી પહોંચી જવાનો અંદાજ છે અને 2023માં ભારત સૌથી વધુ વસતિવાળા દેશના રૂપમાં ચીનથી આગળ નીકળી જશે તેવું અનુમાન છે. આની સામે વિશ્વના 61 દેશોની વસતિમાં ઘટાડો થવાનો પણ અંદાજ છે.
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસએ કહ્યું કે, ‘તે આપણા ગ્રહની દેખરેખ કરવાની આપણી સંયુક્ત જવાબદારીની યાદ અપાવે છે અને એ વિચારવાની ક્ષણ છે કે આપણે હજુ પણ એકબીજા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાઓમાં ક્યાં ચૂકીએ છીએ.
વિશ્વ વસ્તી સંભાવના 2022 મુજબ, વિકાસ દર 1950 પછીથી સૌથી ધીમો રહ્યો છે, જે 2020માં 1 ટકાથી પણ ઓછો થઈ ગયો. રિપોર્ટમાં કહેવાયું છે કે, દુનિયાની વસ્તી 2030માં લગભગ 8.5 બિલિયન અને 2050માં 9.7 બિલિયન અને 2080 દરમિયાન લગભગ 10.4 બિલિયન થઈ શકે છે અને ઉપ-સહારા આફ્રિકાના દેશોમાં 2050 સુધીમાં અડધાથી વધુનું યોગદાન આપવાની આશા છે. વર્ષ 2050 સુધી અંદાજિત વૃદ્ધિ 8 દેશોમાં કેન્દ્રિત રહેશે, જેમાં કોંગો, ઈજિપ્ત, ઈથિયોપિયા, ભારત, નાઈજેરિયા, પાકિસ્તાન, ફિલિપાઈન્સ અને તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, હાલના દાયકામાં ઘણા દેશોમાં પ્રજનન ક્ષમતામાં ઉલ્લેખનીય રીતે ઘટાડો આવ્યો છે. એ જોતાં વૈશ્વિક વસ્તીનો બે-તૃતિયાંશ ભાગ આજે એવા દેશ કે ક્ષેત્રમાં રહે છે, જ્યાં જીવનભરની પ્રજનન ક્ષમતા પ્રતિ મહિલા 2.1 જન્મથી ઓછી છે, લગભગ શૂન્ય વૃદ્ધિ માટે આવશ્યક સ્તર. તેમાં કહેવાયું છે કે, પ્રજનન ક્ષમતાના સતત નીચા સ્તર અને કેટલાક મામલામાં ઈમિગ્રેશનના ઊંચા દરના કારણે 2022 અને 2050ની વચ્ચે 61 દેશો કે ક્ષેત્રોની વસ્તીમાં 1 ટકા કે તેનાથી વધુ ઘટાડો થવાનો અંદાજ છે. મૃત્યુદરમાં હજુ ઘટાડાની સાથે 2050માં સરેરાશ વૈશ્વિક ઉંમર લગભગ 77.2 વર્ષ થવાનો અંદાજ છે. કેમકે, વૈશ્વિક સ્તરે સરેરાશ આયુષ્ય 2019માં 72.8 વર્ષ જોવામાં આવ્યું છે. તેમાં 1990 પછીથી લગભગ 9 વર્ષ સુધારો થયો.