![Adar Poonawalla, Chief Executive Officer (CEO) of the Serum Institute of India poses for a picture at the Serum Institute of India, Pune](https://www.garavigujarat.biz/wp-content/uploads/2020/12/adar-696x473.jpg)
ભારતની અગ્રણી વેક્સિન કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાની એશિયન ઓફ ધી યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી સામે લડત માટે મહત્ત્વનું યોગદાન આપવા બદલ સિંગાપોરના અગ્રણી અખબાર ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સે પુનાવાલા સહિત 6 લોકોને આ ખિતાબ આપ્યો છે.
આ તમામે વ્યક્તિએ કોરોના સામે લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૂના સ્થિત વિશ્વની સૌથી મોટી રસી કંપની સીરમ સંસ્થાએ કોરોનાની રસી બનાવવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે હાથ મિલાવ્યા છે. સીરમ સંસ્થા કોરોના વેક્સીન કોવિડશિલ્ડનું મોટાપાયે ઉત્પાદન કરશે અને આ વેક્સિનના ઇમર્જરન્સી ઉપયોગ માટે ભારત સરકારની મંજૂરી માગી છે.
39 વર્ષીય પૂનાવાલા ઉપરાંત ચીનના સંશોધનકાર ઝાંગ યોંગઝેન અને મેજર જનરલ ચેન વી, જાપાનના ડો. રાયઉચિ મોરીશિતા, સિંગાપોરના પ્રોફેસર ઓઈઇ ઇંગ ઈઆંગ અને દક્ષિણ કોરિયાના ઉદ્યોગપતિ સીયો જંગ-જિનને પણ એશિયન ઓફ ધ યરનું સન્માન મળ્યું છે. સિંગાપોરના અખબારે આ બધા વિજેતાને વાયરસ બસ્ટર્સ નામ આપ્યું છે. અખબારના જણાવ્યા અનુસાર, આ જોખમી સમય દરમિયાન આ લોકોએ ફક્ત એશિયા માટે જ નહીં, પરંતુ દુનિયા માટે આશાઓ ઉભી કરી છે. સીરમ સંસ્થાની સ્થાપના 1996માં આદર પૂનાવાલાના પિતા સાયરસ પૂનાવાલાએ કરી હતી. આદર પૂનાવાલા 2001માં કંપનીમાં જોડાયા અને 2011માં સીઈઓ બન્યા હતા.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)