મુંબઈ પોલીસે સોમવારે મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની પત્ની સાથે મારઝૂડ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. પૂનમે પતિ સામે મારઝૂડની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી. પૂનમ પાંડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને માથા, આંખ અને ચહેરા પર ઈજાઓ થઈ હતી.
પોલીસે જણાવ્યું કે, ઈન્ડિયન પિનલ કોડ (IPC) અંતર્ગત સેમ બોમ્બે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસને આંખ, માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. આ મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.
પૂનમ પાંડેએ અગાઉ પણ પતિ સામે મારઝૂડની ફરિયાદ નોંધાવી હતી.ગોવામાં મારઝૂડ કરવાના આરોપમાં સેમ બોમ્બેની ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે લગ્ન બાદ પૂનમ અને સેમ ગોવા ગયા હતા ત્યારે જ એક્ટ્રેસે પતિ પર મારઝૂડનો આરોપ મૂક્યો હતો. પૂનમ પાંડેએ ફરિયાદમાં કહ્યું હતું કે, તેના પતિએ તેને મોલેસ્ટ કરી છે અને મારઝૂડ કર્યા પછી ધમકી આપી હતી. પૂનમ અને તેનો પતિ સાઉથ ગોવામાં કથિત રીતે ફિલ્મ તૈયાર કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. એ વખતે સેમ બોમ્બે પર આઈપીસીની કલમ 353, 506 અને 354 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.