વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની છબી ખરડવા કેટલાંક લોકોએ દેશ અને વિદેશના લોકોને “સોપારી” આપી હોવાની ભોપાલમાં કરેલી ટીપ્પણીના મુદ્દે રાજકારણ ચાલુ થયું હતું. ભોપાલમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો તેમની છબી ખરાબ કરવા માટે આતુર છે અને તેઓએ આ હેતુ માટે ભારતમાં અને દેશની બહાર પણ બેઠેલા કેટલાક લોકો સાથે મળીને “સોપારી” આપી છે. પરંતુ ભારતના ગરીબો, મધ્યમ વર્ગ, આદિવાસીઓ, દલિતો, પછાત વર્ગો અને દરેક ભારતીયો મોદીનું સુરક્ષા કવચ બની ગયા છે
આ મુદ્દે મોદી પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે તમે લોકોના ખિસ્સા કાપવાની સોપારી લીધી છે. પહેલી એપ્રિલથી 384 આવશ્યક દવાઓના ભાવમાં વધારાના અહેવાલ વચ્ચે ખડગેએ આ ટોળો માર્યો હતો. બીજી તરફ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પણ આવા સોપારીબાજોના નામ આપવા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સિબ્બલે કહ્યું હતું કે મોદીજીનો આક્ષેપ છે કે મોદીની કબર ખોદવા માટે તેઓએ દેશના કેટલાંક અને વિદેશના કેટલાંકને સોપારી આપી છે. આવા વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા દેશોના નામ જાહેર કરો. આ મામલાને ગુપ્ત રાખી શકાય નહીં. ચાલો આપણે તેમની સામે કાર્યવાહી કરીએ.