Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

મહાઠગ કિરણ પટેલના કેસમાં પોતાના પુત્રનું નામ બહાર આવતા ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના અધિક જનસંપર્ક અધિકારી (એડિશનલ પીઆરઓ) હિતેશ પંડ્યાએ 24 માર્ચે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હિતેશ પંડ્યા 31 માર્ચ સુધી સીએમઓ (મુખ્યપ્રધાન કાર્યાલય)માં કાર્યરત રહેશે અને પેન્ડિંગ કામોને પૂરા કરશે. આ અગાઉ હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાને પણ ભાજપના સંગઠનમાંથી દૂર કરાયા હતા.

મહાઠગ કિરણ પટેલ પ્રકરણમાં પુત્ર પોલીસ સકંજામાં આવ્યા બાદ પીઆરઓ હિતેશ પંડ્યાનું પણ રાજીનામું માંગી લેવાશે તેવી અગાઉ અટકળો થતી હતી.

કિરણ પટેલ સાથે હિતેશ પંડ્યાના પુત્ર અમિતના વ્યવસાયિક સંબંધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અમિત પંડ્યાએ કેટલાક સીસીટીવી કેમેરા લગાવવાના સરકારી પ્રોજેક્ટ પણ કર્યા છે. પીએમઓના અધિકારીના સ્વાંગમાં ફરવા બદલ અગાઉ કિરણ પટેલની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી.

કોંગ્રેસ દ્વારા પણ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી સાથેના મહાઠગ કિરણ પટેલના સંપર્કનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવી જવાબ માગવામાં આવ્યો હતો. કિરણ પટેલના તાર સીએમઓ સુધી જોડાયેલા હોય અને સરકારને ખબર ના પડે તે બાબત ચિંતાજનક હોવાનું પણ કોંગ્રેસના નેતાઓએ ગૃહમાં જણાવીને સરકાર ઉપર ભારે દબાણ ઊભું કર્યું હતું.
મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી તરીકે છેલ્લાં બે દાયકાથી કાર્યરત હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય હતા. તેમની નિમણૂક પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા સેલમાં કરી હતી. આ વિવાદ બહાર આવતાં ભાજપે અમિતને પણ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી સોશિયલ મીડિયા સેલમાંથી દૂર કર્યા હતા.

LEAVE A REPLY