અમૂલની એક ટ્વીટથી કર્ણાટકમાં રાજકીય તોફાન આવ્યું હતું. ગુજરાત સ્થિત અમૂલ બેંગલુરુમાં ઓનલાઇન ડિવિલરી ચાલુ કરશે તેવી જાહેરાત સાથે વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ સહિતના પક્ષોએ તેને ભાજપનું કાવતરુ ગણાવ્યું હતું. કર્ણાટક માર્કેટમાં અમૂલની એન્ટ્રીની જાહેરાત બાદથી #GoBackAmul અને #SaveNandini જેવા હેશટેગ્સ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
કોંગ્રેસ અને જેડી(એસઃ)ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રાજ્યની નંદિની ડેરી બ્રાન્ડ નષ્ટ કરવા માટે “દુષ્ટ યોજનાઓ” અને “ષડયંત્ર”નો આક્ષેપ કર્યો હતો. અગાઉ નંદિની બ્રાન્ડની માલિક કર્ણાટક મિલ્ક ફેડરેશન અને ગુજરાત આણમંદ મિલ્ક યુનિયન (અમૂલ) વચ્ચે મર્જરની અટકળો પણ થઈ હતી. વિપક્ષે સહકાર પ્રધાન અમિત શાહને અમૂલને દક્ષિણના રાજ્યના બજારમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ કે કેમ તે અંગે કર્ણાટકમાં જનમત લેવા માટે જણાવ્યું છે.
વિધાનસભાની ચૂંટણીના ટાણે અમૂલની કર્ણાટકમાં એન્ટ્રીએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે. બૃદહ બેંગ્લુરુ હોટેલ્સ એસોસિએશને રાજ્યના ખેડૂતોને સમર્થન આપતા ફક્ત નંદિની દૂધનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજકીય સંઘર્ષ વચ્ચે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા દાવો કર્યો હતો કે ગુજરાતની ડેરી બ્રાંડે તેમના શાસનકાળમાં રાજ્યમાં એન્ટ્રી લેવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે એ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો પણ હવે ભાજપ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે અમૂલ અને નંદિની કર્ણાટકના દરેક ગામમાં સાથે મળીને ડેરીની સ્થાપના કરવાની દિશામાં કામ કરશે અને જે ગામમાં ડેરી નહીં હોય ત્યાં પણ તેને સ્થાપિત કરાશે. આ મામલે કોંગ્રેસે કહ્યું કે આ ભાજપની ચાલ છે અને આરોપ મૂક્યો કે ગુજરાતના બે મોટા નેતા મોદી અને અમિત શાહ કર્ણાટકની લોકલ બ્રાન્ડ નંદિનીને બંધ કરવા માગે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે નંદિની રાજ્યની જીવનરેખા છે પણ ભાજપના નેતા અમારા પર અમૂલને થોપવા માગે છે.