કેદારનાથ ધામમાં મંગળવારે રાહુલ ગાંધી અને વરુણ ગાંધીનો અચાનક ભેટો થઈ જતાં અનેક રાજકીય તર્કવિતર્ક થવા લાગ્યાં હતાં. રાહુલ ગાંધી તેમની મુલાકાત પૂર્ણ કરી રહ્યાં હતાં અને વરુણ ગાંધી પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામ પહોંચ્યા હતાં.
રીપોર્ટમાં જણાવ્યા મુજબ આ બેઠક ખૂબ જ ટૂંકી અને ઉષ્માભરી હતી. રાહુલ ગાંધી વરુણની પુત્રી અનુસુયાને મળીને ખૂબ જ ખુશ થયા હતાં. બંને ભાઇઓ એકબીજાના ખુશી સાથે મળ્યાં હતાં.
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે વરુણ ગાંધી સવારે કેદારનાથ ધામમાં દર્શન કરવા આવ્યાં હતા, જ્યારે રાહુલ ગાંધી છેલ્લા ત્રણ દિવસથી અહીં છે. અહીં રાહુલ ગાંધી થોડા સમય માટે વરુણ ગાંધીને મળ્યાં હતાં. લોકસભાની ચૂંટણી પહેલા બંને ભાઇની મુલાકાતથી રાજકીય તર્કવિતર્ક ચાલુ થયા હતા. જોકે બેઠકમાં હાજર રહેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ટૂંકી બેઠકમાં કોઇ રાજકીય ચર્ચા થઈ ન હતી. વરુણ ગાંધી પીલીભીતમાંથી ભાજપના સાંસદ છે, જોકે તેઓ પાર્ટીના કોઇ કાર્યક્રમોમાં દેખાતા નથી.
રાહુલ ગાંધી કરતા વરુણ ગાંધી 10 વર્ષ નાના છે. 2011માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ વરુણ ગાંધીના લગ્નમાં હાજરી આપી ન હતી.
આ વર્ષની શરૂઆતમાં ભારત જોડો યાત્રા દરમિયાન વરુણ ગાંધી અંગેના એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ તેમના પિતરાઈ ભાઈને પ્રેમથી મળી શકે છે અને ગળે લગાવી શકે છે, પરંતુ વિચારધારાઓ મેળ ખાતી નથી.