અમદાવાદ વૃદ્ધ મહિલાને ઢસડીને લઇ જવાના મુદ્દે સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.. આ કેસમાં ઝોન-2ના ડીસીપીએ તપાસ કરી હતી ચાંદખેડા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં પી.આઈ. કે વી પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે IBમાં કાર્યરત પીઆઈ જે મકાનમાં ભાડે રહેતા હતા તેના મકાન માલિક સાથે વિવાદ સર્જાતા બન્ને પક્ષો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. ચાંદખેડા પોલીસે આઈબીના પીઆઈને મદદ કરવા માટે મકાન માલિકના વૃદ્ધ માતા-પિતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગુજરાત હાઈકોર્ટમાં એક રિટ કરવામાં આવી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચાંદખેડા વિસ્તારમાં પોલીસે એક વૃદ્ધાને ઢસડીને ઘરમાંથી બહાર કાઢ્યા હતા અને તેમના પતિના ખાટલાને પણ ઉંચકીને ઘરની બહાર કાઢ્યા હતા. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે આ બાબતે રિપોર્ટ ફાઈલ કરવામાં આવે અને આગામી સુનાવણી 15મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. સુનાવણી પહેલા ચાંદખેડા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડના સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય પીઆઈ કે.વી.પટેલ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.