બેસિંગસ્ટોક ખાતે આવેલા નોર્ધન હેમ્પશાયર પોલીસ ઇન્વેસ્ટીગેશન સેન્ટરના સીરીયસ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્કવોડના છ પોલીસ અધિકારીઓ પર ઓફિસના એક ભાગને ‘આફ્રિકન કોર્નર’ કહી ભેદભાવપૂર્ણ ટિપ્પણી કરવાના આરોપસર ગેરવર્તણૂકની સુનાવણી ચાલી રહી છે. ત્રણ અઠવાડિયાના ગુપ્ત રેકોર્ડિંગ દરમિયાન છ અધિકારીઓ પર ભેદભાવપૂર્ણ, અયોગ્ય અથવા વાંધાજનક ટિપ્પણીઓ કરવા માટેના ગેરવર્તનનો આરોપ છે.
ઓફિસમાં આફ્રિકાનો નકશો મૂકવામાં આવ્યો હતો જ્યાં આફ્રિકન વારસાના બે માણસો બેઠા હતા. આ યુનિટમાં સેવા આપતા ડિટેક્ટીવ કોન્સ્ટેબલ સોલોમન કોરાન્ટેંગ એકમાત્ર બ્લેક ઓફિસર હતા. ડિટેક્ટીવ સાર્જન્ટ ગ્રેગ વિલકોક્સે ગેરવર્તનની સુનાવણીમાં કહ્યું હતું કે યુનિટની ભાષા સખત હતી અને પડકારજનક વાતાવરણમાં કામ કરવાને લીધે તે અધમ જણાઇ હતી.
બાતમી મળ્યા પછી ઇન્વેસ્ટીગેટર્સે યુનિટની ઓફિસમાં ઓડીયો રેકોર્ડર છૂપાવ્યા હતા અને તેમના સોશ્યલ મીડિયા સંદેશા અને ઇમેઇલ્સનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું. આ અધિકારીઓએ મહિલાઓને “વેશ્યા” તરીકે ઓળખાવતા, શ્યામ ડિટેક્ટીવ વિશે “આફ્રિકાથી ચોરી થયેલા” હોવાની વાત કરતા અને “અલ્બેનિયન માઇગ્રન્ટ્સને યુકેમાં પ્રવેશ કરતા તેમના પર ગોળી ચલાવવી જોઇએ તેમ કહેતા હતા.
યુનિટના સૌથી યુવાન અધિકારી ડિટેક્ટીવ કોન્સ્ટેબલ માઇકલ હિગિન્સે જણાવ્યું હતું કે તેમણે મિસ્ટર વિલકોક્સ અને યુનિટના બોસ ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર ટિમોથી આયર્સનને મિ. કોરાન્ટેંગ અને મિ. બેનરમેનનો સંદર્ભ આપી ‘ધ આફ્રિકન્સ’ તરીકે આપતા અને તેઓ “ઝેરી” ઓફિસ કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવ્યું હતું.
મિ. આયર્સન, મિ. લેજ, મિ. વિલકોક્સ, ટ્રેઇની ડીસી એન્ડ્ર્યુ ફર્ગ્યુસન, પીસી જેમ્સ ઓલ્ડફિલ્ડ અને મિ. બેનરમેને ગેરવર્તણૂક કબૂલ કરી હતી પરંતુ ગ્રોસ મિસકન્ડક્ટને નકાર્યું હતું. 9 માર્ચથી 2 એપ્રિલ, 2018 સુધીના રેકોર્ડિંગ્સ કરવામાં આવ્યા હતા અને મિ. આયર્સન નિવૃત્ત થયા છે અને પીસી બેનરમેને રાજીનામું આપ્યું છે. સુનાવણી ચાલુ છે.