મેટ પોલીસના અધિકારીએ લુઇશામમાં શ્યામ ઓફ ડ્યુટી એમ્બ્યુલન્સ ડ્રાઇવરને હાથકડી પહેરાવી અટકાયતમાં લેતો વીડિયો વાયરલ થતાં મેટ પોલીસ સામે જાતિવાદનો આરોપ લગાવ્યો હતો.
તા. 21 મેના રોજ રેકોર્ડ કરાયેલ અને હવે વાયરલ થયેલા વીડિયોમાં અધિકારીઓ ડ્રગ્સની સર્ચમાં સહમત હોવા છતાં પણ તે વ્યક્તિની પૂછપરછ કરી તેની અટકાયત કરી હતી. વિડીયોમાં તે માણસ અધિકારીને કહેતો સાંભળી શકાય છે કે તે “તે ફક્ત ખુલ્લી હવામાં ચીલ કરી રહ્યો છે” અને તે નજીકમાં જ રહે છે. અધિકારી તેની આઈડી માટે પૂછે છે અને પહેલાં તેની ધરપકડ કરવામાં આવી હતી કે કેમ.
તે મહિલા અધિકારીએ “આ ક્ષણે, તમને ડ્રગ્સની શોધ માટે અટકાયતમાં લેવામાં આવશે, બરાબર? આ ક્ષેત્રમાં ડ્રગ્સનો વ્યવહાર થાય છે તેની માહિતી છે? તમે અહીં તમારા મિત્રો સાથે છો, થોડીક ગાડીઓ પણ છે, અને તમે ખરેખર કોવિડ-19ની પરિસ્થિતિમાં અહીં માત્ર તેમને મળવા આવ્યા છો તેનો વિશ્વાસ કરવા માટે મારી પાસે પૂરતું કારણ નથી.”
જોકે એમ્બ્યુલન્સનો ચાલક શાંત રહે છે, પણ અધિકારીને તે કહે છે કે “મારો હાથ આવી રીતે ન પકડો.” લોકોએ મોટી સંખ્યામાં પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી છે.
કૉલેજ ઑફ પોલિસીંગના ભૂતપૂર્વ સ્ટોપ એન્ડ સર્ચ સલાહકાર નિક ગ્લેઇને કહ્યું હતું કે તેઓ “સર્ચ કરવા માટે યોગ્ય કારણો જોઈ શકતા નથી. અધિકારીઓ સ્ટોપ-એન્ડ-સર્ચ લક્ષ્યોને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યા હતા. આ બંધ કરવું પડશે.’’
મેટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’અધિકારીઓ આ વિસ્તારમાં ડ્રગ્સની પ્રવૃત્તિ અંગેની બાતમીને આધારે તપાસ કરતા હતા અને એક પુરૂષની સર્ચ કરવાના હેતુથી અટકાયત કરવામાં આવી હતી. કંઈ મળ્યું ન હતું અને તે માણસની ધરપકડ કરવામાં આવી નથી. તેને તપાસ અધિકારીની વિગતો પૂરી પાડવામાં આવી હતી, અને સર્ચ રેકોર્ડની નકલ મેળવવા માટે તેના હક્કની જાણકારી આપવામાં આવી હતી.”
ડ્વેન ફ્રાન્સિસ નામના એક સ્કૂલ વર્કરની ગયા મહિને આવી જ રીતે અટકાયત કરવામાં આવી હતી જેનો વિડિઓ મિલિયનથી વધુ લોકોએ દેખ્યો હતો. તેમણે પોલીસ પર “રેસીયલ પ્રોફાઇલીંગ’’નો આરોપ લગાવ્યો હતો.
ઇંગ્લેન્ડમાં શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (બીએએમએ) લોકોને શ્વેત લોકો કરતા લોકડાઉન નિયમો હેઠળ 54 ટકા વધારે દંડની સંભાવના છે. લિબર્ટી ઇન્વેસ્ટિગેટ્સ અને ગાર્ડિયન દ્વારા કરાયેલા વિશ્લેષણમાં તાજેતરમાં જ બહાર આવ્યું હતું કે 27 માર્ચથી 11 મે દરમિયાન સામાજિક અંતરના નિયમો હેઠળ 13,445 લોકોને ફિક્સ-પેનલ્ટી નોટીસ આપવામાં આવી હતી જેમાં BAME લોકોનો હિસ્સો 2,218 હતો.