હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને તા. 2ના રોજ દેશના પોલીસ દળોમાં સક્રિયતા અને નિષ્પક્ષતાની સમીક્ષા કરવાનો આદેશ આપી પોલીસ અધિકારીઓને રાજકીય બાબતોમાં સામેલ થવાને બદલે ગુનાનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી.
બ્રેવરમેને હિઝ મેજેસ્ટીઝ ઇન્સ્પેક્ટર ઓફ કોન્સ્ટેબલરી એન્ડ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસ (HMICFRS) ને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી કામગીરીની અસરકારકતા, કાર્યક્ષમતા અને કાયદેસરતા પર કેટલી હદે અસર થઈ શકે છે તેની સમીક્ષા હાથ ધરવાનું કામ સોંપ્યું છે.
હોમ ઑફિસે જણાવ્યું હતું કે દેશનું પોલીસિંગ મોડલ અપેક્ષા રાખે છે કે પોલીસે, દરેક સમયે, રાજકીય તટસ્થતાની સ્થિતિ અપનાવવી જોઈએ.
બ્રેવરમેને કહ્યું હતું કે “બ્રિટિશ લોકો અપેક્ષા રાખે છે કે તેમની પોલીસ અપરાધ ઘટાડવા અને સમુદાયોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે. રાજકીય સક્રિયતા લોકોને સુરક્ષિત રાખતી નથી, ગુનાઓને ઉકેલતી નથી અથવા પીડિતોને સમર્થન આપતી નથી, પરંતુ લોકોના વિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે.”
પોલીસ વડાઓને લખેલા પત્રમાં બ્રેવરમેને બહાદુરી અને પ્રતિબદ્ધ અધિકારીઓના અસાધારણ સ્તરની નોંધ લઇ તેમની સખત મહેનત અને સમર્પણ માટે દળોની પ્રશંસા કરી હતી.