ઇસ્લામને પોતાનો હેતુ ગણાવતા લોકો દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાનું વર્ણન કરતી વખતે પોલીસ “ઇસ્લામાસ્ટ આતંકવાદ” અને “જેહાદીઓ” શબ્દો છોડી દેવાનો વિચાર કરી રહી છે. તેને બદલે સૂચિત વિકલ્પોમાં “ફેઇથ-ક્લેઇમ્ડ ટેરરીઝમ” અથવા તો “ધાર્મિક પ્રેરણાઓનો દુરુપયોગ કરતા આતંકવાદીઓ” અને “ઓસામા બિન લાદેનની વિચારધારાના અનુયાયીઓ” શામેલ છે.
એક મુસ્લિમ પોલીસ સંગઠને આ સુધારા માટે વિનંતી કરી હતી અને “ઇસ્લામીસ્ટ” અને “જેહાદી” શબ્દોના સત્તાવાર ઉપયોગને નકારાત્મક દ્રષ્ટિકોણ અને વલણ, ભેદભાવ અને ઇસ્લામોફોબીયા માટે દોષીત ઠેરવ્યો હતો.
ગયા મહિને આતંકવાદ વિરોધી પોલિસીંગના રાષ્ટ્રીય વડા આસીસ્ટન્ટ કમિશનર નીલ બાસુ દ્વારા સંબોધિત ઑનલાઇન કાર્યક્રમમાં આ સમસ્યાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 70થી વધુ હુમલામાં બચેલા લોકો, પીડિતોનાં સબંધીઓ, શિક્ષણવિદો, નિષ્ણાંતો અને હિમાયત કરતા જૂથોએ ભાગ લીધો હતો. જો કે પોલીસે ટાઇમ્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સુધારણામાં આગળ વધશે કે નહિં તે ચોક્કસ નથી.