બેડફોર્ડશાયરના પોલીસ અને ક્રાઈમ કમિશનર અને બ્રિટનના એકમાત્ર અશ્વેત પોલીસ વડા ફેસ્ટસ એકીનબસોયેને માત્ર તેમના શ્યામ રંગના કારણે કાયદાનો કોઇ પણ પ્રકારે ભંગ કરતા ન હોવા છતાં રસ્તામાં અચાનક જ રોકીને એક બે વખત નહિં પણ કુલ છ વખત રોકીને તપાસ કરાઇ હતી. અકિનબુસોયેએ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ તરફથી જાહેર થયેલા નવા રેસ એક્શન પ્લાનનું સ્વાગત કર્યું છે.
એક શંકાસ્પદ અધિકારીએ સ્પેશ્યલ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ફેસ્ટસને પૂછ્યું હતું કે ‘તમે અહીં શું કરી રહ્યા છો?’ તો બીજી વખત તેમને કહેવાયું હતું કે તેમનું વર્ણન શંકાસ્પદ ગુનેગારના વર્ણન સાથે મેળ ધરાવે છે. જેને પોલીસ શોધી રહી હતી.
તેમણે કહ્યું હતું કે ‘’દુઃખની વાત એ છે કે અહીં બેડફોર્ડશાયરમાં અને સમગ્ર દેશમાં હજુ પણ એવું જ છે કે અમારા અશ્વેત સમુદાયના લોકોને પોલીસિંગ અને એકંદરે વ્યાપક ફોજદારી ન્યાય પ્રણાલીના નબળા અનુભવોનો સામનો કરવો પડે છે. પોલીસની અંદર, ભરતી, પ્રમોશન અને આચરણના મુદ્દાઓના અશ્વેત લોકોના અનુભવો તેમના શ્વેત સાથીદારો કરતાં વધુ નકારાત્મક છે. લગભગ ત્રણ દાયકા પહેલાના મેકફર્સન રિપોર્ટ છતાં, ખૂબ લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને સુધારવા માટે રાષ્ટ્રીય અથવા સ્થાનિક સ્તરે પોલીસ નેતૃત્વમાં લગભગ પૂરતું નથી.