વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જુલાઈ માસ બાદ પહેલી વખત ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોનાવાયરસના વધતા જતા ફેલાવાને રોકવા માટે કડક નવા પગલાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે લોકો તેમના પૌત્ર-પૌત્રીઓને મળવા તલપાપડ થઇ રહ્યા છે ત્યારે નવા પ્રતિબંધો રજૂ કરવાથી “મારું હૃદય તૂટી રહ્યું’’ છે. પોઝીટીવ કેસોની સંખ્યા ગત સપ્તાહે 100,000 નાગરિકો દીઠ 12.5થી વધીને 19.7 થઈ ગઈ છે. જે સૂચવે છે કે રાષ્ટ્રીય આર નંબર હવે 1થી ઉપર છે, એટલે કે વાયરસ ઝડપથી ફેલાય છે.
મિનીસ્ટરોને ડર છે કે ચેપમાં જ્યાં નોંધપાત્ર વધારો થયો છે તે ફ્રાન્સ અને સ્પેનથી રોગચાળા બાબતે બ્રિટન માત્ર ચાર અઠવાડિયા જ પાછળ છે અને અત્યારથી પગલા લેવામાં આવશે તો ચેપના ફેલાવા પર કાબૂ મેળવી શકાશે.
નવા પ્રતિબંધોની માહિતી
- સોમવારથી છથી વધુ લોકોના જૂથોમાં એકત્રીત થવું ગેરકાયદેસર બની જશે અને હાલના નિયમોનો પોલીસ કડક અમલ કરાવશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ખાનગી મકાનો સહિતના તમામ ઇન્ડોર અને આઉટડોર સેટિંગ્સમાં “રૂલ ઓફ સીક્સનો નિયમ” પાળશે નહિં તેમને વિખારવા, દંડ કરવા અને સંભવિત ધરપકડ કરવાની પોલીસને સત્તા આપવામાં આવી છે.
- પબ્સ, રેસ્ટોરાં અને અન્ય હોસ્પિટાલીટી સ્થળો કોરોનાવાયરસ સલામતીના માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેમને £1000નો દંડ કરાશે.
- બ્રિટનમાં આવનારા લોકોએ આગમન વખતે ફોર્મ ભરવું પડશે અને જો જરૂરી હોય તો તેમણે બે અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. બોર્ડર ફોર્સ ક્વોરેન્ટાઇન નિયમોનો અમલ કરાવશે. જે લોકો ફોર્મ ભરવાનાં નિયમોનો ભંગ કરશે કે ક્વોરેન્ટાઇનનો ભંગ કરશે તો £100થી £1,000નો દંડ કરાશે.
- શાળાઓ અને ઓફિસો સહિતના કેટલાક સેટિંગ્સને છ વ્યક્તિની મર્યાદાથી મુક્તિ અપાઇ છે. જીમ, ચર્ચ અને રેસ્ટોરન્ટ જેવા સ્થળોએ હજી પણ કુલ છ કરતા વધુ લોકોને રાખી શકાશે. પણ તે સુનિશ્ચિત કરવું જોઈશે કે તેમને અલગ જૂથોમાં સુરક્ષિત અંતરે રાખવામાં આવે છે.
- સ્થાનિક સત્તાવાળાઓ શહેર અને સીટી સેન્ટરમાં સામાજિક અંતર સુનિશ્ચિત કરાવવા માટે “કોવિડ-સીક્યોર માર્શલ્સ” રાખી શકશે. વિકએન્ડમાં લોકો હાઇસ્ટ્રીટ પર ભીડ કરે અને જાહેર સ્થળોએ સલામત અંતર રાખે તેની ખાતરી કરવા અધિકારીઓને સત્તા સોંપવામાં આવશે.
- સ્થાનિક કાઉન્સિલો સામાજિક-અંતરના નિયમોના પાલન માટે એન્વાયરમેન્ટલ હેલ્થ ઓફિસરનું રજિસ્ટર બનાવવું પડશે.
યુનિવર્સિટીઓને કોરોનાવાયરસ ફાટી નીકળવાની ઘટનામાં વિદ્યાર્થીઓને ઘરે ન મોકલવા ચેતવણી આપી કોલેજો સલામત રીતે ખોલવા માટે નવા માર્ગદર્શનની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગ આ અઠવાડિયે યુનિવર્સિટીઓને સુરક્ષિત રીતે ખોલવામાં સહાય માટે માર્ગદર્શિકા પ્રકાશિત કરી રહ્યું છે.
વડાપ્રધાન બોરિસ જ્હોન્સને વિદ્યાર્થીઓને સંદેશ આપતાં જણાવ્યું હતું કે “કૃપા કરીને, તમારા શિક્ષણ અને તમારા માતાપિતા અને તમારા દાદા-દાદીના સ્વાસ્થ્ય માટે, તમારા હાથ ધુવો, તમારા ચહેરાને ઢાંકો, અરસપરસ અંતર રાખો અને સામાજિક રીતે હવે છથી વધુ જૂથોમાં ભેગા થશો નહીં. ” યુનિયન દ્વારા ગયા મહિને ચેતવણી આપવામાં આવી હતી કે યુનિવર્સિટીઓએ “કોવિડ સેકન્ડ વેવના કેર હોમ્સ ન બનવું જોઈએ”.
ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટ્ટીએ જણાવ્યું હતું કે ‘’કેટલાક સ્થળે સ્થાનિક રોગચાળો ફાટી નીકળ્યો હોવા છતાં, શાળાએ જતા બાળકોમાં ચેપનો દર “હજી પણ ખૂબ જ ઓછો” હતો, પરંતુ જો તેમાં નોંધપાત્ર વધારો થશે તો સરકારે શાળાઓ ચાલુ રાખવા બાબતે ફરીથી વિચાર કરવો પડશે. શાળાઓને ખુલ્લી રાખવી એ સરકારનો પ્રથમ ક્રમ છે અને શાળાઓ ખુલ્લી રહે તે માટે તેઓ અન્ય પ્રવૃત્તિઓનું બલિદાન આપશે. વડાપ્રધાને પણ ખૂબ જ છેલ્લા આશ્રય તરીકે શાળાઓ અને કૉલેજો ફરીથી બંધ કરાશે તેમ જણાવ્યું હતું.
રેસ્ટોરન્ટ્સ, પબ અને અન્ય સ્થળોના સંચાલકોએ આવનારા દરેક પક્ષના એક સભ્યની સંપર્ક વિગતો લેવાની રહેશે અને તેને 21 દિવસ સુધી સાચવી રાખવી પડશે અને તે વિગતો એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસને આપવાની રહેશે. કેટલાક સ્થળોએ સરકાર બિઝનેસ ખોલવા-બંધ કરવાના સમયને પણ નિર્ધારીત કરી શકે.
બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે ‘’નાતાલ વખતે બધું ફરીથી સામાન્ય થઈ જશે કે કેમ તે કહેવું વહેલું છે પણ મોટી કૌટુંબિક ઉજવણી અશક્ય હશે. વર્ષના અંત સુધીમાં બધુ સામાન્ય થવા માટે “આશાવાદી” છે પરંતુ સામૂહિક લાળ પરીક્ષણ ઉપલબ્ધ કરાવવાની તેમની “મૂનશોટ” યોજનાની સફળતા પર તેનો આધાર છે. જો ક્રિસમસ વખતે આ જ વર્તમાન પ્રતિબંધો રહેશે તો પરિવારો પહેલેથી સાથે રહેતા ન હોય તેવા છથી વધુ લોકોના જૂથોને ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
પ્રોફેસર વ્હીટીએ ચેતવણી આપી હતી કે ‘’લોકોના ઘરની અંદર ભીડ અને ઠંડા અને ફ્લૂના વાયરસ ફેલાવાના કારણે હવેનો સમયગાળો “મુશ્કેલ” રહેશે. આવતા મહિનામાં નોર્થ ઇંગ્લેન્ડમાં ચાલનારી મૂનશોટ યોજનામાં, લોકો દૈનિક ગર્ભાવસ્થા શૈલીનો કોરોનાવાયરસ ટેસ્ટ કરાવશે જેનુ પરિણામ મિનિટોમાં જ મળશે. નકારાત્મક રીઝલ્ટ ધરાવનાર લોકો પાસે “એક પ્રકારનો પાસપોર્ટ હશે જે તેમને અન્ય લોકો સાથે ભળવાની સ્વતંત્રતા આપશે.’’
પ્રોફેસર વ્હ્ટીએ જણાવ્યું હતું કે ચેપનો તીવ્ર વધારો ફ્રાન્સ, સ્પેન અને બેલ્જિયમમાં ચાર અઠવાડિયા પહેલા થયો હતો, પરંતુ બેલ્જિયમમાં “નિર્ણાયક પગલાં” ત્યાંના ચેપ દરને સ્થિર અને ઘટાડા તરફ દોરી ગયા હતા. બ્રિટનમાં ચેપની સંખ્યા ખાસ કરીને 20થી 29 વર્ષની વયના યુવાન લોકોમાં વધી છે, જેમાં પ્રત્યેક 100,000 લોકોમાં 42 કેસ છે. મંત્રીઓને વાયરસથી મૃત્યુની સંખ્યામાં વધારો થવાનો ભય છે કારણ કે વૃદ્ધ લોકો ચેપને તેમના બાળકો અને પૌત્રો દ્વારા મેળવે છે.
પ્રોફેસર વ્હિટ્ટીએ જણાવ્યું હતું કે યુકેમાં મેથી જુલાઇ સુધી ચેપની સંખ્યામાં ઘટાડો થયો હતો, કારણ કે લોકો સામાજિક અંતરના નિયમોનું પાલન કરતા હતા, પરંતુ ઓગસ્ટના મધ્યમાં ફરીથી સમગ્ર દેશમાં વધુ ચેપ લાગવા માંડ્યા છે.