રેપના આરોપમાં અમદાવાદની પોલીસે બુધવારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદીને ક્લીનચિટ આપી હતી. 2022માં તેમની કંપનીમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે જોડાનાર એક બલ્ગેરિયન યુવતીએ તેમના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
લગભગ પાંચ કલાક સુધી રાજીવ મોદીની પૂછપરછના છ દિવસ પછી સોલા હાઈકોર્ટના પોલીસ ઈન્સ્પેક્ટર આર એચ સોલંકીએ બુધવારે નવરંગપુરાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ‘એક સમરી’ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે મોદી અને અન્ય આરોપી, તેમના કર્મચારી, જોન્સન મેથ્યુ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.
ગુજરાત હાઇકોર્ટના હસ્તક્ષેપ પછી આ કેસમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. કોઈ કેસમાં આરોપી કે પછી પુરાવા ઉપલબ્ધ ના હોય ત્યારે પોલીસ સામાન્ય રીતે સમરી રિપોર્ટ ફાઈલ કરતી હોય છે.
આ કેસમાં રાજીવ મોદી તેમની સામે નોંધાયેલી ફરિયાદના દોઢ મહિના બાદ અને ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કર્યાના બીજા જ દિવસે પોલીસ સમક્ષ સામે ચાલીને હાજર થયા હતા.
ફરિયાદીએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી, આ પહેલા તેને હાઈકોર્ટમાં પિટિશન કર્યા બાદ રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના તપાસ અધિકારી પીઆઈ આર.એચ. સોલંકીના જણાવ્યા અનુસાર આરોપીની સઘન પૂછપરછ કરવાની સાથે 100 જેટલા સાક્ષીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેમાં ફરિયાદી દ્વારા કરાયેલા આક્ષેપો પુરવાર થઈ શકે તેવા કોઈપણ પુરાવા નહોતા મળી શક્યા નથી.
પોલીસે સમરી રિપોર્ટ ફાઈલ કર્યો હોવાની ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાંથી તેની પિટિશન પાછી ખેંચી લીધા હતા. પોલીસે ફાઈલ કરેલા સમરી રિપોર્ટને ચેલેન્જ કરવા માટે હવે ફરિયાદીને વધુ એક કાયદાકીય લડાઈ લડવી પડશે.