રેશલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ. (ANI Photo)

દિલ્હી પોલીસે ગુરુવારે બીજેપી સાંસદ અને  WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. પોલીસે બ્રિજ ભૂષણ સામેના આકરા POCSO ધારા હેઠળના કેસને પાછો ખેંચી લેવાની ભલામણ કરી હતી. જોકે તેમના પર જાતીય સતામણી અને છ મહિલા કુસ્તીબાજોનો પીછો કરવાનો આરોપ મૂક્યો હતો.

બ્રિજ ભૂષણ સામેની ફરિયાદ રદ કરવાની પોલીસની ભલામણ પર આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે જણાવ્યું હતું કે ભારતની દીકરીઓના ન્યાય માટેના પોકારને કચરાપેટીમાં ફેંકી દઇને તેને દાટી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ભાજપનું નવું સૂત્ર “બેટી ડરાવો, બ્રિજ ભૂષણ બચાવો” છે.

સરકારે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતના આંદોલનકારી કુસ્તીબાજોને ખાતરી આપી હતી કે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરાશે. આ પછી કુસ્તીબાજોએ તેમના આંદોલનને સ્થગિત કર્યું હતું. એક સગીર સહિત સાત કુસ્તીબાજો સામે જાતીય સતામણીના આરોપો સાથે કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યાં છે.

પોલીસે સગીર કુસ્તીબાજની ફરિયાદને સમર્થિત પુરાવાના અભાવે રદ કરવાની ભલામણ કરી હતી. સગીર કુસ્તીબાજના પિતા અને ખુદ યુવતીના નિવેદનને આધારે પોલીસે આ ભલામણ કરી હતી. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO)માં ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જોકે પોલીસનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારવો કે વધુ તપાસનો આદેશ આપવો તેનો નિર્ણય કોર્ટ કરશે. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ રાજિન્દર સિંહે 4 જુલાઈએ કેન્સલેશન રિપોર્ટને વિચારણા માટે મુક્યો હતો.

આ અંગે પ્રતિક્રિયા આપતા સાક્ષી મલિકના પતિ અને કુસ્તીબાજ સત્યવર્ત કાદિયાન જણાવ્યું હતું કે અમે હજી પણ આ બાબતે ચર્ચાવિચારણા કરી રહ્યા છીએ. અમે તમને જણાવીશું.

મહિલા કુસ્તીબાજોની ફરિયાદને આધારે દાખલ કરાયેલા અન્ય કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક કુમારે 22 જૂને ચાર્જશીટ વિચારણા કરશે. WFIના સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમર સામે વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરાઈ છે.

LEAVE A REPLY