દેશના રાજ્યોના પોલીસદળમાં આશરે 5.30 લાખ જગ્યાઓ ખાલી પડી છે, જે મંજુર કરવામાં આવેલી કુલ જગ્યાની 21 ટકા ઘટ દર્શાવે છે. આમાંથી મોટાભાગની જગ્યાએ કોન્સ્ટેબલ રેન્કની છે. નવાઇની વાત એ છે કે પોલીસના ટોચના હોદ્દા પર સરપ્લસ સ્ટાફ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા રીપોર્ટમાં સંસદની સ્થાયી સમિતિએ આ અંગેની નોંધ કરી છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માના વડપણ હેઠળની આ સમિતિએ નોંધ્યું છે કે રાજ્યોના પોલીસ દળમાં પહેલી જાન્યુઆરી 2020ના રોજ આશરે 5,31,737 જગ્યા ખાલી પડેલી હતી. આની સામે કુલ 26,23,225 જગ્યાએને મંજૂરી મળેલી છે. આમ રાજ્યોના પોલીસદળમાં પોલીસ જવાનોની આશરે 21 ટકા ઘટ છે.
રીપોર્ટમાં જણાવાયું હતું કે દેશમાં ગુના અને સુરક્ષાની સ્થિતિને જોતા ખાલી જગ્યાનો આ આંકડો ઇચ્છનીય નથી. સમિતિ માને છે કે પોલીસ સ્ટાફમાં આ ઘટથી પોલીસની કાર્યક્ષમતાને સીધી અસર થાય છે. હાલના પોલીસ સ્ટાફના ઓવરટાઇમમાં વધારો થયો છે. પોલીસ જવાનોએ તણાવપૂર્ણ અને થકાવટભરી સ્થિતિનો સામનો કરવો પડે છે. આનાથી માત્ર તણાવના સ્તરમાં જ વધારો થતો નથી, પરંતુ ઘણીવાર પોલીસ જવાનો સામાન્ય માણસ પર તેનો રોષ ઠાલવે છે. આ સ્થિતિમાં પોલીસને તેમની ફરજ બજાવવામાં પણ ઘણીવાર સમાધાન કરવું પડે છે.
સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એક મિશનની જેમ પોલીસ ભરતી અભિયાન હાથ ધરે તેવી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સૂચના આપવી જોઇએ.સમિતિએ નોંધ્યું હતું કે ડીજીપી, સ્પેશ્યલ ડીજીપી અને એડિશનલ ડીજીપી જેવા પોલીસના ટોચના હોદ્દા પર સરપ્લસ અધિકારીઓ છે. દેશમાં ડીજીપી અને સ્પેશ્યલ ડીજીપીની રેન્કના 135 અધિકારીઓ સામે છે. આની સામે 117 જગ્યાને મંજૂરી મળી છે. એ રીતે એડિશનલ ડીજીડીપીના 310 હોદ્દાને મંજૂરી સામે હાલમાં આ રેન્કના 364 અધિકારીઓ છે.