ગુજરાતમાં ચાલુ કારમાં ઉંચા અવાજે ગીતો સાંભળીને વર્દીમાં મોજમસ્તી કરી રહેલાં પોલીસવાળાઓનો એક વીડિયો વાઇરસ થયા બાદ ગૃહ વિભાગે કાર્યવાહી કરીને ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.
ઘટનાની વિગત એવી છે કે, વાયરલ થયેલો વીડિયો પૂર્વ કચ્છનો હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાર જેટલા પોલીસકર્મીઓ એક કારમાં જઈ રહ્યા છે. કારમાં ઉંચા અવાજે એક રાજસ્થાની સોંગ વાગી રહ્યું છે અને તાલમાં આવી પોલીસવાળાઓ ઝૂમી રહ્યા છે. એટલું જ નહીં પોલીસવાળાએ સીટ બેલ્ટ પણ નથી બાંધી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા.તેઓએ ટ્રાફિક નિયમનની પણ અવગણના કરી હતી. જે બાદ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદીશ ખેતાભાઈ સોલંકી, હરેશ ઈશ્વરભાઈ ચૌધરી, રાજા મહેન્દ્રકુમાર હીરાગરને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે ચોથો કર્મી અહીંથી બદલી થઈને બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવે છે. એ પોલીસવાળા વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.