ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના ગૃહ વિભાગ હેઠળ વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, એમ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બને તે હેતુથી પોલીસની આ ભરતી કરવામાં આવશે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યા બાદ ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અધ્યક્ષને જરૂરી આદેશ કર્યા છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટૂન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન-હથિયારી અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ)ની મળીને અંદાજીત 27,847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.