મધ્યપૂર્વના દેશોમાંથી આવતા માઇગ્રન્ટ અને શરણાર્થીઓના ધાડે ધાડાથી પોલેન્ડ અને બેલારુસ વચ્ચે કટોકટી ઊભી થઈ છે ત્યારે રશિયાએ બેલારુસનું સમર્થન કરવા તેના આ સાથી દેશમાં તેના પેરાટ્રૂપર્સ મોકલ્યા છે. મધ્યપૂર્વના શરણાર્થીઓ બેલારુસથી યુરોપમાં પ્રવેશવા માગે છે અને પોલેન્ડ તેમને અટકાવી રહ્યુ છે, જ્યારે બેલારુસ તેમને અટકાવવા માગતું નથી.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંયુક્ત યુદ્ધઅભ્યાસના ભાગરૂપે રશિયાના પેરાટ્રૂપર્સ હેવી લિફ્ટ Il-76 પરિવહન વિમાન મારફત પોલેન્ડ સરહદ પર આવેલા બેલારુસના ગ્રોડનો વિસ્તારમાં ઉતારવામાં આવશે.
બેલારુસના લશ્કરે જણાવ્યુ હતું કે રશિયન બટાલિયનની સામેલગારી સાથેની લશ્કરી કવાયતનો હેતુ તેની સરહદ નજીક લશ્કરી પ્રવૃત્તિઓમાં વધારાને કારણે સાથી દેશોના રેપિડ રિસ્પોન્સ ફોર્સની સજ્જતાની કસોટી કરવાનો છે. આ લશ્કરી ડ્રિલમાં બેલારુસનું હવાઇદળ, હેલિકોપ્ટર્સ, ગનશીપ અને બીજી દળો ભાગ લે છે. આ લશ્કરી ડ્રીલના ભાગરૂપે લશ્કરી દળો દુશ્મનોના લક્ષ્યાંક પર તથા ગેરકાયદે શસ્ત્રો સંગઠન પર પ્રહારની પ્રેક્ટિસ કરશે.
આ સપ્તાહના પ્રારંભમાં રશિયાએ સતત બે દિવસ માટે પેટ્રોલ મિશન્સ માટે અણુ ક્ષમતાથી સજ્જ તેના સ્ટ્રેટેજિક બોમ્બર્સ મોકલ્યા હતા. રશિયાના ડેપ્યુટી યુએન એમ્બેસેડરે ન્યૂ યોર્કમાં યુએન હેડક્વાર્ટર્સ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે પોલેન્ડ-બેલારુસ સરહદ પર જંગી જમાવટની પ્રતિક્રિયા રૂપે આ લડાઈ છે.
મધ્યપૂર્વના દેશોમાં માઇગ્રન્ટ અને શરણાર્થીઓના ધાડેધાડાથી બેલારુસ અને પોલેન્ડ વચ્ચે કટોકટી ઊભી થઈ છે. આ શરણાર્થીઓ પોલેન્ડ અને બેલારુસની સરહદ પર જમા થયા છે અને યુરોપિયન યુનિયમાં પ્રવેશવા માગે છે. આ કટોકટીમાં રશિયા બેલારુસને સમર્થન આપી રહ્યું છે.
યુરોપિયન યુનિયને બેલારુસના આપખુદ પ્રેસિડન્ટ એલેક્ઝાન્ડર લુકાશેન્કો પર આક્ષેપ કર્યો છે કે તેઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા લોકોને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને યુરોપના પ્રતિબંધનો સામનો કરવા આવા હાઇબ્રિડ હુમલો કરી રહ્યાં છે. બેલારુસે જણાવ્યું છે કે તે માઇગ્રન્ટ અને શરણાર્થીઓને યુરોપમાં પ્રવેશતા રોકશે નહીં.