પ્રીવેન્શન ઓફ મનિ લોન્ડરિંગ એક્ટની સ્પેશિયલ કોર્ટે ભારતીય સ્ટેટ બેન્ક અને અન્ય બેન્કોને વિજય માલ્યાની જપ્ત સંપત્તિ વેચીની ધિરાણની રકમ વસુલવાની મંજૂરી આપી છે. ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે, તેમને આ પ્રમાણેની વસુલાતથી કોઈ વાંધો નથી. માલ્યાના વકીલોએ દલીલ કરી હતી કે, આ માત્ર ડેટ રિકવરી ટ્રાઈબ્યૂનલ જ નક્કી કરી શકે છે.
જોકે સ્પેશિયલ પીએમએલએ કોર્ટે આ નિર્ણય પર 18 જાન્યુઆરી સુધીનો સ્ટે લગાવ્યો છે. જેથી માલ્યા આ આદેશની સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. બેન્કોને અંદાજે 9 હજાર કરોડની લોન ન ચૂકવવા મામલે, કૌભાંડ અને મની લોન્ડરિંગ મામલે બ્રિટનમાં માલ્યા સામે કેસ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, ડિસેમ્બર મહિનામાં વિજય માલ્યા મામલે લંડન કોર્ટમાં ચુકાદો સુરક્ષીત રાખવામાં આવ્યો છે.
કોર્ટ જાન્યુઆરીમાં માલ્યા પર ચુકાદો આપે તેવી શક્યતા છે. અહીં વિજય માલ્યા પર દાખલ નાદારી જાહેર કરવાની અરજી નકારવામાં આવી શકે છે અથવા જ્યાં સુધી ભારતીય સુપ્રીમ કોર્ટમાં માલ્યાની સેટલમેન્ટ ઓફર પર સહમતી ન બને ત્યાં સુધી આ અરજી સ્થગિત પણ કરવામાં આવી શકે છે. આ મામલે યુકે કોર્ટ ભારતીય નિયમો વિશે વિચાર કરી શકે છે.
એસબીઆઈના નેતૃત્વમાં ભારતીય સરકારી બેન્કોના એક ગ્રૂપે બ્રિટનની હાઈ કોર્ટમાં ભાગેડુ વિજય માલ્યા પર અંદાજે 1.145 અબજ પાઉન્ડ ન ચૂકવવાના આરોપમાં તેને નાદાર જાહેર કરવાનો આદેશ આપવાની ફરીથી અપીલ કરી છે. લંડનમાં હાઈકોર્ટની દિવાલા બ્રાન્ચમાં જજ માઈકલ બ્રિગ્સે સુનાવણી કરી છે.
હાઈકોર્ટે પહેલાં આપેલા એક નિર્ણયમાં સમગ્ર દુનિયામાં માલ્યાની સંપત્તિની લેણ-દેણ પર પ્રતિબંધ લગાવવામાં આવેલા આદેશમાં ફેરફાર કરવાનો ઈનકાર કરી દીધો છે અને ભારતની એક કોર્ટના તે નિર્ણયને યથાવત રાખ્યો છે કે 13 ભારતીય બેન્કોના ગ્રૂપને અંદાજે 1.145 અબજ પાઉન્ડનું ધિરાણ કરવા માટે અધિકૃત છે.
ત્યારપછી બેન્કોએ સંપત્તિ જપ્ત કરવાના આદેશમાં વસુલીની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ જ અંતર્ગત દેવાની ભરપાઈ કરવા માટે બ્રિટનમાં માલ્યાની સંપત્તિને જપ્ત કરવાની અપલી કરીને નાદારીની અરજી દાખલ કરી છે.