બ્રિટનના નવનિયુક્ત વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે ટ્વીટ કરી ચેતવણી આપી હતી કે તેમની સરકારે કેટલાક “ખૂબ જ મુશ્કેલ નિર્ણયો” લેવા પડશે પરંતુ લોકોને ખાતરી આપી છે કે તેઓ દેશની “ગહન આર્થિક કટોકટી”નો સામનો કરતી વખતે કરુણા સાથે કામ કરશે.
સુનકે ટ્વીટ કર્યું હતું કે, “આજે સવારે કેબિનેટ સમક્ષ અમે પ્રચંડ ટાસ્ક્સ રજૂ કર્યા હતા અને મને વિશ્વાસ છે કે આ સરકાર પડકારોનો સામનો કરી શકે છે અને સમગ્ર યુકેને તે પહોંચાડી શકે છે. હવે કામ પર જવાનો અને બ્રિટિશ લોકોનો વિશ્વાસ મેળવવાનો સમય છે. સરકાર સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરશે અને લોંગ ટર્મ ગ્રોથ કરવાનું ચાલુ રાખશે.”
ચાન્સેલર જેરેમી હંટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્થિક સ્થિરતા અને વિશ્વસનીયતા એ અન્ય તમામ નીતિઓ માટે જરૂરી પાયા છે. ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં વધારો થવાને કારણે ઊભા થયેલા સતત ખતરા અંગે કેબિનેટને અપડેટ કર્યું હતું. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ગેરકાયદેસર ઇમિગ્રેશનને પહોંચી વળવા માટે ચાલી રહેલા કામ વિશે વાત કરી હતી.
સરકારે દેશના આર્થિક સંકટનો સામનો કેવી રીતે કરવો તે અંગે બજેટ માટે બે અઠવાડિયાથી વધુનો વિલંબ કરવાનું નક્કી કર્યું હતું. ચાન્સેલર હન્ટ હવે 17 નવેમ્બરે સરકારની મધ્યમ ગાળાનો ફિસ્કલ પ્લાન રજૂ કરશે. જે અગાઉ તા. 31 ઑક્ટોબર માટે નિર્ધારિત કરાયો હતો.