પૂર્વ ચાન્સેલર ઋષિ સુનક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે થઇ રહેલી વડા પ્રધાનની રેસના કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોની ચૂંટણી અને મતદાન પ્રક્રિયા હેક થઇ શકે છે તેવી દેશના જાસૂસોએ આપેલી ચેતવણી બાદ મતદાન વિલંબિત થયું છે.
યુકેની સરકારના કોમ્યુનિકેશન હેડક્વાર્ટર (GCHQ)ની લિસનિંગ પોસ્ટનો ભાગ એવા નેશનલ સાઇબર સિક્યોરિટી સેન્ટર (NCSC)એ કન્ઝર્વેટિવ પાર્ટીને સલાહ આપી છે કે સભ્યોને તેમનો મત બદલવાના વિકલ્પની મંજૂરી આપવાની યોજના પર પુનર્વિચાર કરવો જરૂરી છે. જેને પગલે કન્ઝર્વેટિવ પાર્ટીએ મત બદલવાની મંજૂરી આપવાની યોજના છોડી દેવાની ફરજ પડી છે.
એનસીએસસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “યુકેની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાઓનો બચાવ એ NCSCની પ્રાથમિકતા છે. અમે સાયબર સુરક્ષા માર્ગદર્શન અને સમર્થન આપવા માટે તમામ સંસદીય રાજકીય પક્ષો, સ્થાનિક સત્તાવાળાઓ અને સાંસદો સાથે મળીને કામ કરીએ છીએ. ”
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આ પ્રક્રિયા દરમિયાન NCSC સાથે પરામર્શ કર્યો છે અને મતદાન પ્રક્રિયાની આસપાસ સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. પાત્ર સભ્યોને પોસ્ટલ બેલેટ પેપર્સ ગત સોમવાર તા. 1થી મેઈલ કરવાના હતા પરંતુ હવે આ અઠવાડિયે બેલેટ પેક મેળવવાનું શરૂ કરશે. સભ્યોને મતપત્ર મોકલાઇ રહ્યા છે. અમે અમારી બેલેટ પ્રક્રિયામાં કેટલીક વધારાની સુરક્ષા ઉમેરવા માટે થોડો સમય લીધો છે, જેના કારણે અમને થોડો વિલંબ થયો છે. એકથી વધુ વખત મત આપવો એ ગુનો છે અને તેમ કરનારની સદસ્યતા પાછી ખેંચી લેવાશે. નવી સિસ્ટમ હેઠળ, દરેક સભ્યનો યુનિક કોડ એકવાર તેઓ વોટ કરે એટલે નિષ્ક્રિય થઈ જશે. મત આપવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બરની સાંજ છે અને 5 સપ્ટેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટાયેલા ઉમેદવાર 7 સપ્ટેમ્બરે હાઉસ ઓફ કોમન્સમાં તેમના પ્રથમ વડાપ્રધાનના પ્રશ્નોની (PMQs) બેઠકને સંબોધિત કરશે.