કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટીશ વડા પ્રધાન બનવાની રેસમાં બે ફાઇનલિસ્ટ ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચેની હરિફાઇ તિવ્ર બની રહી છે ત્યારે સુનકે આવક વેરામાં કપાત આપવાના વચન સાથે દેશનો ફુગાવો એટલે કે જીવનજરૂરી ચીજ વસ્તુઓ પરના ભાવ વધારાને અંકુશમાં લેવાનું વચન આપી થોડા વર્ષોમાં બેઝીક આવકવેરો 20 ટકાથી 16 ટકા સુધી ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી છે. આ ટેક્સ ઘટાડો છેલ્લા 30 વર્ષમાં આવકવેરામાં સૌથી મોટો કાપ હશે. સુનકે ઇમીગ્રેશન પર 10-પોઈન્ટ પ્લાન સાથે વડા પ્રધાન તરીકે “શક્ય તેટલી ઝડપથી પકડ” કરવા માંગે છે તેમ જણાવ્યું છે.
ગયા સપ્તાહની શરૂઆતમાં સમાપ્ત થયેલા ટોરી લીડરશીપ પોલમાં ઋષિ સુનક લિઝ ટ્રસથી માત્ર પાંચ પોઈન્ટ પાછળ છે જે સુનક માટે આશાની એક નિશાની છે. ઇટાલિયન કંપની ટેકન દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં સુનકને 43 ટકાની સરખામણીમાં ટ્રસને 48 ટકા પર મત મળ્યા હતા જ્યારે 9 ટકા લોકોએ જવાબ આપ્યા ન હતા. નોકઆઉટ સ્ટેજ પર હાથ ધરાયેલા છેલ્લા યુગોવ સર્વેમાં ટ્રસ સુનક પર 24-પોઇન્ટની લીડ ધરાવતા હતા.
ચૂંટણી ઝુંબેશમાં ટેક્સમાં કપાતનો મુદ્દો પ્રબળ બની ગયો છે અને ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસે પ્રથમ દિવસથી ટેક્સમાં કાપ મૂકવાનું વચન આપ્યું છે જ્યારે સુનકે વધતા જતા ફુગાવાને કાબૂમાં લેવા માટે વધુ માપેલા-તોળેલા અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી છે. સપ્તાહની શરૂઆતમાં એનર્જી બિલ પરના VATમાં ઘટાડો કરવાની જાહેરાત સાથે સુનકે યુ-ટર્ન લીધો હોવાનો ઇનકાર કર્યો હતો.
સુનક અને ટ્રુસે એક્સેટરમાં તેમના બીજા હસ્ટિંગ્સમાં મતદારોની સામે લાઇવ ડિબેટમાં હાજરી આપી હતી. ટેક્સ પોલીસી તેમની વચ્ચેના મુખ્ય પ્રચાર યુદ્ધનું મેદાન બની ગઈ છે. બંને નેતાઓએ કન્ઝર્વેટિવ સભ્યોને આકર્ષવા માટે સ્પર્ધાત્મક નીતિ અવનવી દરખાસ્તોની હારમાળા જાહેર કરી છે.
હસ્ટીંગ્સના પ્રારંભિક ભાષણમાં, શ્રીમતી ટ્રસે સમર્થન આપનાર પેની મોર્ડન્ટને મહાન દેશભક્ત ગણાવી તેમને મિત્ર કહેતા ગર્વ થાય છે તેમ જણાવ્યું હતું. જો કે અગાઉ મોર્ડન્ટના સાથીઓએ ટ્રસની ટીમ પર નેતૃત્વ હરીફાઈના અંતિમ તબક્કામાં પહોંચવા માટે ગંદી યુક્તિઓ અજમાવી હોવાનો આરોપ લગાવ્યો હતો.
બે વાર નેતા પદની ચૂંટણીમાં ઉભા રહેલા ટોરી બિગ હિટર અને ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિયામ ફોક્સે હસ્ટીંગમાં સુનકનો પરિચય કરાવતાં જણાવ્યું હતું કે સુનક પાસે સ્વિંગ મતદારોને જીતવાની અને લેબર-એસએનપી ગઠબંધનને રોકવાની ક્ષમતા છે. અમને યોગ્ય નીતિઓ સાથે નેતા અને વડા પ્રધાનની જરૂર પડશે. જેમની પાસે ઉત્તમ ચારિત્ર્ય, હિંમત, અનુભવ અને બુદ્ધિ હોય જેઓ મતદારોને કન્ઝર્વેટિવને મત આપવા માટે ઉત્તેજન આપી શકે. હું માનું છું કે તે નેતા, તે વડા પ્રધાન ઋષિ સુનક હશે.”
સુનકે ફરી એકવાર શ્રીમતી ટ્રસની કર ઘટાડવાની યોજનાઓ પર હુમલો કરી પોતાની માન્યતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે તેમણે દેશ માટે તેમનું વિઝન નક્કી કરવામાં “સરળ રસ્તો” અપનાવ્યો નથી. આગામી સંસદના અંત સુધીમાં આવકવેરાના મૂળ દરને 20% થી ઘટાડીને 16% કરાશે. અમે કરમાં જવાબદારીપૂર્વક કાપ મૂકીશું. અમે આપણાં બાળકો ટેક્સ ચૂકવે તે માંગતા નથી. અમે જાહેર ખર્ચ પર સખત બનીને, જાહેર સેવાઓમાં સુધારો કરીને અને અર્થતંત્રને વધારીને તે કરવા જઈ રહ્યા છીએ.”
શ્રીમતી ટ્રસે “વ્હાઈટહોલ વેસ્ટ સામે યુદ્ધ”ની જાહેરાત કરી દાવો કર્યો હતો કે તેઓ જાહેર ક્ષેત્રમાં સમાવેશ અને વૈવિધ્યતા વધારી સિવિલ સર્વિસીસનો ટાઇમ ઓફ ઘટાડીને, નેશનલ પે બિલ દૂર કરીને અને નોકરીઓ ઘટાડીને કરદાતાઓના £11 બિલિયન બચાવશે. મોટાભાગની બચત ટેલરિંગ વેજીસથી માંડીને જ્યાં સિવિલ સર્વન્ટના કામ કરે છે ત્યાંથી આવશે.’’
યુનિયન્સ અને લેબરે ટ્રસને ચેતવણી આપી છે કે જો તેઓ પીએમ તરીકે તેમની દરખાસ્તોનો અમલ કરશે તો તેમને પ્રતિકારનો સામનો કરવો પડશે.
સુનકના કેમ્પેઇનના સ્ત્રોતે જણાવ્યું હતું કે શ્રીમતી ટ્રસે સિવિલ સર્વિસના વેતન બિલને ફ્રન્ટ લાઇન પબ્લિક સેક્ટરના કામદારો સાથે ગૂંચવ્યું હોય તેવું લાગે છે. આનો અર્થ એ છે કે NHS ને બ્રેકિંગ પોઈન્ટ સુધી લંબાવાશે અને ગુના સામે લડતી ઓછી પોલીસ જોવા મળશે.”
હસ્ટિંગ્સમાં, શ્રીમતી ટ્રસે કહ્યું હતું કે ‘’ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શિયાળના શિકાર પરના પ્રતિબંધને રદ કરશે નહીં. યુકેને તૂટવાથી બચવા માટે સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનને “અવગણવું” શ્રેષ્ઠ છે કેમ કે તેઓ એટેન્શન સિકર છે. જો હું રાજકારણી ન હોત તો તે ફૂડ ક્રિટીક્સ હોત.’’
શ્રી સુનકે કોર્પોરેટ કરવેરા અંગે જણાવ્યું હતું કે ‘’શ્રીમતી ટ્રસની નીતિઓ છેલ્લા 10 વર્ષોની નિષ્ફળ ટ્રેઝરી રૂઢિચુસ્તતા જેવી છે જેને ટોરી સભ્યો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ બોરિસ જૉન્સન પ્રત્યે વફાદાર છે, પરંતુ વડા પ્રધાનની સરકાર ગંભીર નૈતિક પ્રશ્નોની “ખોટી બાજુ” પર હોવાથી ચાન્સેલર તરીકે રાજીનામું આપ્યું હતું. જો હું રાજકારણી ન હોત તો “સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબ ચલાવી શક્યો હતો તો હું ખૂબ ખુશ હોત.’’
સુનકને તેમની જીવનશૈલી અને બોરિસ જૉન્સન પ્રત્યેનો વિરોધ નડે છે. તો ટ્રસને બ્રિટન જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે તાત્કાલિક કરવેરા ઘટાડવાની પ્રતિજ્ઞા મદદ કરે છે.
સુનકે કહ્યું હતું કે “ભૂતપૂર્વ ટોરી વડા પ્રધાન માર્ગારેટ થેચરની સરકાર પછી સૌથી મોટો આવક વેરાનો કાપ મૂકવાનું મારૂ વિઝન છે. એપ્રિલ 2024માં આવકવેરામાં 1 પેન્સનો કાપ અમલી બનશે. પ્રથમ તો, હું ક્યારેય પણ ફુગાવો વધે તે રીતે ટેક્સમાં ઘટાડો નહીં કરું. બીજું, હું પાળી ન શકું તેવા વચનો આપતો નથી. અને ત્રીજું, અમે જે પડકારોનો સામનો કરીએ છીએ તેના વિશે હું હંમેશા પ્રમાણિક રહીશ. કારણ કે આગળ શું છે તે વિશે લોકો સાથે ચર્ચા કર્યા વિના આ નેતૃત્વ હરીફાઈ જીતવી એ માત્ર અપ્રમાણિક જ નહીં પણ જાતે જ કુહાડા પર પગ મૂકવા જેવું હશે. જે આગામી સામાન્ય ચૂંટણીમાં હારવા માટે અમારા પક્ષની નિંદા કરશે અને અમને લાંબા સમય સુધી વિપક્ષમાં મોકલશે.’’
તેમની પ્રચાર ટીમે જણાવ્યું હતું કે જો ચૂંટાશે તો સુનકની પહેલી પ્રાથમિકતા ફુગાવાને પહોંચી વળવાની રહેશે અને તે પછી સુનકનું ટેક્સ વિઝન મહેનતુ પરિવારોના ખિસ્સામાં કામનો પુરસ્કાર આપવા માટે પૈસા પાછા આપવાનું રહેશે.
સુનકે જણાવ્યું હતું કે “હવે કન્ઝર્વેટિવ સભ્યોને વિનંતી કરીશ કે કોઈ પણ દ્રષ્ટિકોણ પર સાવધાની સાથે વર્તે. કોઈપણ મુશ્કેલ ટ્રેડ-ઓફને સામેલ ન કરો અને યાદ રાખજો કે જો કંઈક સાચું હોવાનું લાગે તો તે કદાચ હશે. હું વડા પ્રધાન તરીકે ચૂંટાઇશ તો નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ની સુધારણા યોજનાઓના ભાગ રૂપે GP અથવા આઉટપેશન્ટ એપોઇન્ટમેન્ટમાં પૂરતી નોટીસ આપ્યા વગર ગેરહાજર રહેનાર દર્દીઓને ટેમ્પરરી £10 દંડ કરાશે. આમ કરવાથી તે એપોઇન્ટમેન્ટ અન્ય દર્દીને અપાશે. પ્રથમ વખત એપોઇન્ટમેન્ટ ચૂકનાર દર્દીને “શંકાનો લાભ” અપાશે.’’
ટોરી સભ્યો સાથેની વાતચીતમાં સુનકને ટેકેદારો દ્વારા વિનંતી કરાઇ હતી કે રેસમાં “અંડરડોગ” હોવા છતાં હાર ન માને. જેના જવાબમાં સુનકે જણાવ્યું હતું કે “હું જે મૂલ્યોમાં વિશ્વાસ કરું છું તેના માટે હું લડી રહ્યો છું. હું તે બાબતો માટે લડી રહ્યો છું જે મને આપણા દેશ માટે યોગ્ય લાગે છે. અને હું અટકવાનો નથી.
સુનકના પ્રતિસ્પર્ધીઓએ કરવેરાના મુદ્દે સુનક પર “યુ-ટર્ન” લેવાનો આરોપ મૂકી કહ્યું હતું કે લોકો ટેક્સમાં કપાત માટે આટલી લાંબી રાહ જોઈ શકે નથી.
ગત ગુરુવારે 28 તારીખે લીડ્ઝમાં ટોરી પક્ષના સભ્યોની હાજરીમાં તેમની પ્રથમ સત્તાવાર ગ્રિલિંગમાં ચર્ચામાં તેઓ સામસામે ગયા હતા. ટ્રસે છેલ્લી ચર્ચામાં કહ્યું હતું કે તેઓ તેલ અને ગેસ કંપનીઓ પર વધુ વિન્ડફોલ ટેક્સ લાદવાનું પસંદ કરશે નહીં. ટ્રસે નોર્ધર્ન પાવરહાઉસ રેલના નિર્માણનું વચન આપ્યું છે.
કન્ઝર્વેટિવ કેમ્પેઈન હેડક્વાર્ટર (CCHQ) દ્વારા આગામી સપ્તાહથી સભ્યોને પોસ્ટલ બેલેટ મોકલવામાં આવશે. બંને દાવેદારોએ 12 રાષ્ટ્રવ્યાપી સ્પર્ધાઓમાંથી પસાર થવું પડશે. પોસ્ટલ બેલેટ પરત કરવાની અને ઓનલાઈન વોટ રજીસ્ટર કરાવવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બરની સાંજની છે અને પરિણામ 5 સપ્ટેમ્બરે જાહેર થશે.