વડા પ્રધાન બોરિસ જૉન્સને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામુ આપ્યા બાદ આગામી બ્રિટિશ વડા પ્રધાન બનવાની રેસમાં સોમવારે તા. 11ના રોજ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે પણ દાવેદારી નોંધાવતા વડા પ્રધાન પદની રેસમાં જોડાયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 8 પર પહોંચી છે. આ રેસ ચોક્કસ હરિફાઇભરી બની રહેશે એમ લાગી રહ્યું છે.
મેદાનમાં ઉતરેલા હાઇ-પ્રોફાઈલ સ્પર્ધકોમાં ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનક, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)માં ટ્રસના જુનિયર મિનિસ્ટર અને પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં જન્મેલા રહેમાન ચિશ્તી, યુકેમાં જન્મેલા ભૂતપૂર્વ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ, ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન, ઈરાકી મૂળના નદિમ ઝહાવી, નાઈજીરીયન મૂળના કેમી બેડાનોચ, ટોરી બેકબેન્ચર ટોમ ટૂગેન્ધાટ, ભૂતપૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હંટ, ટ્રેડ સેક્રેટરી પેની મોર્ડાઉન્ટ, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સનો સમાવેશ થાય છે. રહેમાન ચિશ્તી અને સેક્રેટરી સાજિદ જાવિદ પૂરતા મત મેળવી શક્યા ન હતા.
ટોરી રેન્કમાં નોંધપાત્ર સમર્થન ધરાવતા અને રેસના પ્રારંભિક અગ્રેસર 42 વર્ષીય ભૂતપૂર્વ ચાન્સેલર ઋષી સુનકે શુક્રવાર તા. 8ના રોજ ઔપચારિક રીતે યુકેને “સાચી દિશામાં લઇ જવાના વચન સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા અને ભાવિ વડા પ્રધાન તરીકે પોતાની ઇચ્છા જાહેર કરી હતી. સુનકે #Ready4Rishi અભિયાનની શરૂઆત ટ્વિટર પર એક સંદેશ સાથે શરૂ કરી હતી.
“ટ્રસ્ટેડ ટુ ડિલિવર” ટેગલાઇનનો ઉપયોગ કરીને, 46 વર્ષીય ટ્રસે પોતાના પ્રચાર વિડિયોમાં જણાવ્યું હતું કે ‘’લોકોને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેઓ જે પણ પ્રાપ્ત કરવા માગે છે તે હાંસલ કરવાની તક આપવા માંગે છે. પ્રથમ દિવસથી જ ટેક્સ ઘટાડવાનું વચન આપુ છું. મારા સાથીદારો જાણે છે કે હું જે કહું છું તેનો અમલ કરું છું અને માત્ર એવા વચનો જ આપું છું જે હું નિભાવી શકું. મારા પર વિશ્વાસ કરી શકાય છે.”
ફેસબુક પર વિડિયો મૂકી પોતાની ઝુંબેશની શરૂઆત કરતા 43 વર્ષીય રહેમાન ચિશ્તીએ કહ્યું સહતું કે “સખત મહેનત કે સતત પ્રયત્ન કરતી વ્યક્તિની પડખે સરકાર છે.”
ટોરી બેકબેન્ચર સ્ટીવ બેકરે ગોવાના વતની અને એટર્ની જનરલ સુએલા બ્રેવરમેનની તરફેણમાં પોતાની બિડ પાછી ખેંચી લીધી છે.
49-વર્ષીય ટૂગેન્ધાત ભૂતપૂર્વ સૈનિક છે અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ટોનબ્રિજ અને મૉલિંગના સાંસદ છે. તેમને પક્ષના સાથીદારોના નોંધપાત્ર જૂથનું સમર્થન છે.
યુકેના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલનું નામ પણ વરિષ્ઠ ટોરી નામોમાં સામેલ હતું પણ તેમણે મોડેથી ના કહી હતી. શુક્રવારે એક ટ્વિટર નિવેદનમાં, 50 વર્ષીય ગુજરાતી મૂળના પટેલે કહ્યું હતું કે “હોમ સેક્રેટરી તરીકે સરકારના વહીવટ અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની મારી ફરજ છે. તે સુનિશ્ચિત કરવા હું સરકાર અને અમારા ભાગીદારો અને એજન્સીઓ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશ.”