કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાનનો ફોટો દૂર કરવાની માગણી કરતી એક અરજીને નકારી કાઢતા કેરળ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકો એ હદે અસહિષ્ણુ ન બની શકે કે એક સર્ટિફિકેટ પર પીએમનો ફોટો સહન ન કરી શકે.
સિંગલ જજના આદેશને પડકારતી અરજીને નકારી કાઢતા ચીફ જસ્ટિસ એસ મણિકુમાર અને જસ્ટિસ શાજી પી ચેલીની બનેલી ખંડપીઠે 25 જાન્યુઆરીએ જારી કરેલા આદેશમાં આ અવલોકન કર્યું હતું. સિંગલ જજની ખંડપીઠે કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટમાં વડાપ્રધાનનો ફોટો દૂર કરવાની અરજીને રદ કરી દીધી હતી, તેથી તેને પડકારવામાં આવી હતી.
ખંડપીઠે જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફ લોકોનું ધ્યાન ખેંચીને અને નાગરિકોનો સહકાર માગીને ભારત સરકાર દ્વારા તેની જવાબદારીઓ, ફરજો અને કાર્યોનું વહન કરવાના માત્ર પ્રયાસો તરીકે જોવો જોઇએ.
વેક્સિન સર્ટિફિકેટમાંથી પીએમનો ફોટો દૂર કરવાની પીટર મ્યાલીપરમ્પીલે કોર્ટમાં માગણી કરી હતી. હાઇ કોર્ટની સિંગલ બેન્ચે આ અરજીને નકારી કાઢીને અરજદારને એક લાખનો દંડ ફટકાર્યો હતો.
હાઇ કોર્ટની બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાનનો હોદ્દો મેળવીને તથા તે રીતે દેશ અને વિદેશના સેંકડો પ્લેટફોર્મ પોતાની હાજરી નોંધાવ્યા પછી ભારતના વડાપ્રધાનને કોઇ વધુ જાહેરખબરની જરૂરી હોય તેવું લાગતું નથી.
.
કોર્ટે જણાવ્યું હતું કે વેક્સિન સર્ટિફિકેટમાં ફોટોગ્રાફથી લોકોના મૂળભૂત અધિકારોમાં દખલ થતી નથી, કારણ કે આ ફોટોગ્રાફ કે લખાણનો હેતુ લોકોનું ધ્યાન ખેંચવાનું અને વેક્સિનેશન માટે પ્રોત્સાહન આપવાનો છે. કોરોના રસીને ફરજિયાત બનાવામાં ન આવી હોવાથી સરકારના પક્ષે પગલાંની જરૂર છે.
જોકે હાઇ કોર્ટે મહામારીની સ્થિતિ અને સમાજમાં પ્રવર્તતી કટોકટીને ધ્યાનમાં રાખીને અરજદાર પરની પેનલ્ટીને ઘટાડી રૂ.25,000 કરી હતી.