વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હીમાં રાજ્યોના મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓના સંયુક્ત સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સહભાગી બન્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડા પ્રધાને જણાવ્યું કે, આપણા દેશમાં આજે પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં થાય છે. આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વધુમાં જણાવ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, બંધારણની 2 કલમોનો સંગમ દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેના લીધે દેશના સામાન્ય નાગરિકોનો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે, તેઓ તેના સાથે જોડાયેલા હોવાનું અનુભવશે. દેશની એક મોટી વસ્તી એવી છે જેના માટે ન્યાયિક પ્રક્રિયાથી લઈને નિર્ણયો સુધીની બાબતો સમજવી અઘરી થઈ પડે છે. આપણે સામાન્ય જનતા માટે વ્યવસ્થાને સરળ બનાવવાની જરૂર છે.
સામાન્ય નાગરિકો માટે કાયદાની જટિલતા પણ એક ગંભીર વિષય છે. 2015માં આપણે આશરે 1,800 આવા કાયદાઓ તારવ્યા હતા જે અપ્રાસંગિક બની ચુક્યા હતા. તે પૈકીના કેન્દ્રના 1,450 કાયદાઓને અમે ખતમ કર્યા છે પરંતુ રાજ્યો તરફથી માત્ર 75 કાયદાનો જ અંત આણવામાં આવ્યો છે.