વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ રાજકોટ અને દ્વારકામાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 25 ફેબ્રુઆરીના દિવસે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં સુદર્શન સેતુનું (સિગ્નેચર બ્રિજ) લોકાર્પણ થવાથી, હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. ₹ 979 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.3 કિલોમીટર લંબાઇના બ્રિજની સાથોસાથ 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે, તેના લીધે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે.
રેલવે વિભાગ દ્વારા રાજકોટથી ઓખા અને રાજકોટ-જેતલસર- સોમનાથ તેમજ જેતલસર-વાંસજાળીયા સુધી કુલ 533 રેલવે કિ.મી લંબાઇ રેલમાર્ગનું ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે. ₹ 676 કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ઇલેક્ટ્રીફિકેશન કામગીરીથી ડિઝલની બચત થશે અને લોકોની સુવિધામાં વધારો થશે. રાજકોટ-ઓખા ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દ્વારકા સુધી ઇલેક્ટ્રીક રૂટ પર ટ્રેન સુવિધા સરળતાથી મળી રહેશે. તે સિવાય પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા વાડીનારમાં બે ઓફશોર પાઇપલાઇન અને એક બોયનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્નું મૂલ્ય ₹ 1378 કરોડ છે.
જામનગરમાં કાલાવડ તાલુકાના છત્તર પાસે ₹ 52 કરોડના ખર્ચે નિર્મિત 12.5 મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત વડાપ્રધાન રાજકોટથી દેશની પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત ₹1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMS ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર A&B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી IPD સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.