ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે ફરીથી જઇ રહ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ વારંવાર ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓની મુલાકાત લઇ રહ્યા છે. હવે તેઓ 31 ઓક્ટોબરે બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે.