વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના નિવેદનમાં જણાવ્યા મુજબ 100 વર્ષની ઉંમરના હીરાબાની તબિયત હાલ સ્થિર છે. માતાની તબિયત લથડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ દોડી આવ્યા હતા અને લગભગ દોઢ કલાક સુધી યુએન મહેતા હોસ્પિટલમાં રોકાયા હતા અને ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ ફરી દિલ્હી જવા રવાના થયા હતા.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં ગયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની નાદુરસ્ત તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી શુભકામના પાઠવી હતી. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટમાં લખ્યું છે કે એક માતા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અણમોલ હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું પ્રાર્થના કરું છું કે તમારા માતાજી જલદીથી સ્વસ્થ થઈ જાય.