કોરોના વાયરસના 21 દિવસના લોકડાઉનના 9માં દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ત્રીજી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. દેશમાં મહામારી વચ્ચે લોકોએ દર્શાવેલી એકતાના પીએમ મોદીએ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ કપરા સમયમાં દેશે સામૂહિક શક્તિની તાકાત બતાવી દીધી છે.
લોકોને લાગતું હશે કે તેઓ ઘરમાં એકલા છે અને હજુ અડધો સમય જ વિત્યો છે બાકીનો સમય કેવી રીતે વિતશે.પીએમ મોદીએ જણાવ્યું કે હું તમામ દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે દેશના 130 કરોડ લોકો એક છે અને કોઈ એકલું નથી. આ લડાઈમાં આપણે ઉલ્લેખનીય સામૂહિક શક્તિનો પરચો આપ્યો છે. આપણે વારંવાર આ વિરાટ શક્તિનો સાક્ષાતકાર કરાવવો જોઈએ.
આમ કરવાથી આપણને નવી ઉર્જા અને સ્ફૂર્તિ મળે છે જેનાથી લડવાની શક્તિ વધે છે. કોરોનાના અંધકાર વચ્ચે આપણે નિરંતર પ્રકાશ તરફ જવાનું છે. કોરોના સંકટથી સૌથી વધુ ગરીબો પ્રભાવિત થયા છે તેઓને કોરોનાના અંધકારમાંથી બહાર કાઢીને તેજ પ્રકાશ તરફ લઈ જવાના છે.
કોરોના વાયરસની મહામારીથી જે અંધકાર ફેલાયો છે તેને મિટાવીને આપણે ચારે ય દિશામાં પ્રકાશનો તેજ ફેલાવાનો છે. 5મી એપ્રિલના રવિવારે દેશવાસીઓએ પ્રકાશની શક્તિનો પરિચય કરાવવાનો છે. 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિએ જાગરણની શક્તિનો પરચો આપવાનો છે. જેને પગલે 5મી એપ્રિલના રાત્રે 9.00 કલાકે નવ મિનિટ લોકોએ આપવી તેવી અપીલ વડાપ્રધાને કરી છે. 5 એપ્રિલના લોકોએ રાત્રે ઘરની લાઈટો બંધ કરીને મીણબત્તી, દિવડા, ટોર્ચ અથવા મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરીને તેજ પ્રકાશ રેલાવે.
દેશના કરોડો લોકોની આ તાકાત વિશ્વની કોઈપણ સેના કરતા વધુ બળ ધરાવે છે અને દેશના લોકોએ આ મહામારીના સમયમાં આપણે જો એક વખત નિશ્ચય કરીએ તો આપણે માત કરવામાં જરૂર સફળ થઈશું. દેશના લોકોએ 5મી એપ્રિલે ક્યાંય એકત્ર થવાનું નથી ફક્ત ઘરમાં જ રહીને મીણબત્તી, દીવડો, ટોર્ચ અથવા મોબાઈલ ફ્લેશ લાઈટનો પ્રકાશ પોતાના આંગણા અથવા બાલ્કનીમાંથી જ ફેલાવાનો છે. પીએમ મોદીએ કોરોના લોકડાઉનના ગાળામાં લોકોને કામ વગર બહાર નહીં નિકળીને ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો હતો.