ANI

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમીટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી અને ચીન સાથેની સરદહ પરના વણઉકેલાયેલા મુદ્દાઓ પર ભારતની ચિંતાઓ વ્યક્ત કરી હતી.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહની જાળવવી તથા LACનું સન્માન થાય તે પછી જ ભારત અને ચીનના સંબંધો સામાન્ય બની શકે છે. આ સંદર્ભમાં બે નેતાઓ સંબંધિત અધિકારીઓને ઝડપથી સીમા પરથી સૈનિકોને પાછા બોલાવવા અને તંગદિલીમાં ઘટાડો કરવા માટેના પ્રયાસોને વેગ આપવાનો આદેશ આપવા માટે સંમત થયા હતા.

અગાઉ વડાપ્રધાન મોદી અને ચીની પ્રેસિડન્ટે બ્રિક્સ નેતાઓની બ્રીફિંગ પહેલાં એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને અભિવાદન કર્યું હતું. બંને નેતાઓ મંચ પર થોડા સમય માટે વાતચીત કરતાં પણ જોવા મળ્યાં હતાં. ગયા નવેમ્બરમાં બાલીમાં G20 ડિનરમાં થયેલી બેઠક બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. તે સમયે પણ બંને નેતાઓ હાથ મિલાવ્યા હતાં અને થોડી મિનિટો માટે વાતચીત કરી હતી.

LEAVE A REPLY