ઇટાલીમાં તાજેતરમાં યોજાયેલી જી7 દેશોની બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. તેમણે શુક્રવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું હતું કે, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે ભારત શક્ય તમામ પ્રયાસ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાંતિનો માર્ગ સંવાદ અને રાજદ્વારી કાર્યવાહીથી જ નીકળશે. સ્વિત્ઝર્લેન્ડમાં ટૂંક સમયમાં યોજાનારા યુક્રેન માટેના શાંતિ સંમેલનમાં ભારત તરફથી ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિ મંડળને મોકલવાના નિર્ણય બદલ ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં મોદીએ ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે, ભારત માનવ-કેન્દ્રીત અભિગમમાં વિશ્વાસ ધરાવે છે. વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કી સાથેની મુલાકાતને રચનાત્મક ગણાવી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY