ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિવંગત નેતા કેશુભાઈ પટેલ અને ગુજરાતી ફિલ્મોના મહાન કલાકારો સ્વ. નરેન કનોડિયા અને મહેશ કનોડિયાના નિવાસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.
સવારે 9:45 વાગે મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. ગુજરાતના મુખ્યપ્રધાન, રાજ્યપાલ સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી મોદી સીધા ગાંધીનગર સ્થિત કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ પછી તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી.
કેશુબાપાના દીકરી સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અમારા ઘરે આવ્યા હતા. પરિવારના વડીલની જેમ અમારી સાથે બેઠા હતા. બાપાની અંતિમ ક્ષણ અંગે પૂછ્યું હતું. માંદગી દરમિયાન પણ મોદી સતત ખબર પૂછતા રહેતા હતા. એમને ખબર હતી કે કોવિડ બિમારીમાંથી બાપા બહાર આવી ગયા હતા. પરંતુ ગઇકાલે એવું શું થયું તે અંગે પૂછ્યું હતું અને વાતચીત કરી હતી.
ગુજરાતી અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર પરિવાર માટે આ ગર્વની વાત કહેવાય કે દેશના વડાપ્રધાન અમારા ઘરે પધાર્યા. અમને સાંત્વના અને હિંમત આપવા આવ્યા ત્યારે તેમણે એક વાક્ય કહ્યું કે અદભૂત જોડી અને બન્ને ભાઈ અમર થઇ ગયા. આ વાક્ય અમારા કૂટુંબ માટે અને સમગ્ર ગુજરાત માટે ઉમદા વાક્ય છે. આપ જોશો તો છબીની અંદર જન્મ કે મરણ તિથિ લખતા હોય છે, પણ અમે એ તારીખો લખી નથી. કારણ કે મહેશભાઈ અને નરેશભાઈ ખરેખર અમર થઇ ગયા છે. એ પ્રકારનો પ્રેમ મોદી સાહેબે કહ્યું કે, બન્ને ભાઈનો અપાર પ્રેમ, અદભૂત પ્રેમ ખૂબ પ્રેરણાદાયી છે. લોકોએ તેમાંથી શીખ લેવી જોઇએ તેવા આ બન્ને વ્યક્તિત્વ છે.