વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે વડોદરાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અંદાજે રૂ. 21 હજાર કરોડના વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. આ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓના સર્વાંગી વિકાસ સાથે સશક્તિકરણ જરૂરી છે. ડબલ એન્જીનની સરકારના સુશાસનના છેલ્લા આઠ વર્ષમાં નારીશક્તિના સામર્થ્યને ભારતના વિકાસની ધૂરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વડોદરામાં યોજાયેલ ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ – ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવા સાથે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લામાં વિવિધ વિભાગોના રેલવે સહિતના કુલ રૂ.૨૧ હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું.
વડોદરાના નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ કરવા સાથે વડોદરા ખાતે NAIR કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના કામોનો ઇ શિલાન્યાસ કર્યો હતો.
મોદીએ જણાવ્યું કે, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. સવારે જન્મદાત્રી માતાના આશીર્વાદ લીધા બાદ પાવાગઢમાં જગતજનની મા મહાકાળીના આશીર્વાદ લીધા અને હવે મને પ્રચંડ માતૃશક્તિના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મહાકાળી માતાજી પાસે મેં દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉપરાંત આ અમૃતકાળમાં ભારતની સ્વર્ણિમ વિકાસ થાય એવી પ્રાર્થના કરી છે.
તેમણે કહ્યું કે, ગુજરાતને આજે મળેલા રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ પ્રકલ્પો ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપશે, એટલું જ નહી આવાસ, ઉચ્ચશિક્ષણ અને માર્ગજોડાણથી ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારનો વ્યાપ વધશે અને યુવાનો માટે અનેક પ્રકારની સ્વરોજગારી તથા રોજગારીના અવસરો પૂરા પાડનારા બની રહેશે.
દેશની પહેલી રેલવે ઇન્સ્ટીટ્યુટ વડોદરામાં હતી. હવે તે ભારતીય ગતિશક્તિ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. દેશભરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે અને પીએમ ગતિશક્તિ યોજનાના વિવિધ પ્રોજેક્ટ અને સંશોધનો કાર્યો અહીં હાથ ધરાશે. વડોદરાને હવે એમ. એસ. યુનિવર્સિટી સાથે સ્પોર્ટ યુનિવર્સિટી તથા સેન્ટ્રલ યુનિવર્સિટી પણ મળી રહી છે. આદિવાસી વિસ્તાર એવા ગોધરાને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદાને બિરસા મુંડા યુનિવર્સિટી આપીને આ વિસ્તારમાં શિક્ષણની નવી દિશા ખોલવામાં આવી છે.
વડોદરાના સાથે સંસ્મરણો વાગોળતા ભાવુક થયેલા મોદીએ કહ્યું કે, વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે યોગ્ય શહેર છે. વડોદરા માની જેમ સંસ્કાર આપે છે, એટલે જ આ શહેર સંસ્કારી નગરી છે. આ શહેર સુખદુઃખમાં સાથ આપવા સાથે આગળ વધવાની તકો આપે છે. આ શહેરે મને સાચવ્યો છે. આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામિ વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષોને આ શહેરે પ્રેરિત કર્યા છે. સ્વામિ વિવેકાનંદ સાથે સંકળાયેલું સ્મારક બિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને અર્પણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. રાષ્ટ્રસેવાનું દાયિત્વ પણ મને વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથના આશીર્વાદથી મળ્યું છે.