(RSTV/PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગેની ધન્યવાદ દરખાસ્તનો જવાબ આપતા ખેડૂતોને આંદોલન સમેટી લેવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન વચન આપ્યું હતું કે એમએસપી (કૃષિ પેદાશોના ટેકાના ભાવ) છે અને તે રહેશે. આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રણાના દ્વાર ખુલ્લા છે.
વડાપ્રધાને અનુરોધ કર્યો હતો કે આંદોલનકારીઓને સમજાવતા આપણે આગળ વધવું પડશે. વૃદ્ધો આંદોલનમાં બેઠા છે. તેમણે ઘરે જવું જોઈએ આંદોલન પૂર્ણ કરો, ભવિષ્યમાં ચર્ચા ચાલતી રહે, ખેડુતો સાથે વાત કરવામાં આવી રહી છે. વડાપ્રધાને ખેડુતોને વિશ્વાસ અપાવ્યો કે, MSP છે, હતું અને રહેશે. મોદીએ કૃષિ કાયદા અંગે એકાએક યુ-ટર્ન લેવા માટે વિરોધ પક્ષોની ટીકા કરી હતી.

કૃષિ કાયદા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગૃહમાં માત્ર આંદોલનની વાત થઈ છે. સુધારાને લઈને ચર્ચા નથી કરવામાં આવી. વડાપ્રધાને કહ્યું હતું કે, લાલ બહાદૂર શાસ્ત્રીને કૃષિ સુધારો કરવો પડ્યો ત્યારે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમણે પાછી પાની કરી ન હતી. તે સમયે ડાબેરી પક્ષો કોંગ્રેસને અમેરીકાના એજન્ટ ગણાવતા હતા. આજે મને તેઓ ગાળો આપી રહ્યાં છે. કોઈ પણ કાયદો આવે પછી તેમાં થોડા સમય બાદ સુધારો થતો હોય છે.

કૃષિ કાયદા વિરુદ્ધના આંદોલનને પડદા પાછળથી સમર્થન આપતા લોકો પર કટાક્ષ કરતાં મોદીએ જણાવ્યું હતું કે કે છેલ્લા થોડા સમયથી દેશમાં આંદોલનજીવી નામનો એક નવો વર્ગ ઊભો થયો છે. તેઓ વકીલના આંદોલનમાં જોવા મળશે, સ્ટુડન્ટ આંદોલનમાં જોવા મળશે, મજૂરોના આંદોલનમાં જોવા મળશે, ક્યારેક પડદાની પાછળ તો ક્યારેક પડદાની આગળ. આ આખી ટોળી આંદોલનજીવી છે. તેઓ આંદોલન વિના જીવી નથી શકતા. આપણે આ લોકોને ઓળખવા પડશે. આ આંદોલનજીવી ખરેખરમાં પરજીવી હોય છે.