ભારતમાં કોરોનાના પ્રકોપમાં ફરી વધારાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બુધવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરીને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર પર ઝડપથી કાબૂ મેળવવામાં નહીં આવે તો કોરોનાની મહામારી ઝડપથી દેશના બાકી ભાગોમાં ફેલાઈ જશે. તેમણે રાજ્યોને આ દિશામાં લોકોમાં ભય ન ફેલાય તે રીતે આકરા પગલા ભરવા માટે અપીલ કરી હતી.
મોદીએ વાઇરસના ફેલાવાને રોકાણ માટે પાંચ બાબતો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ‘દવા પણ-કડડાઈ પણ’નું પાલન કરવું પડશે, RT-PCR ટેસ્ટિંગને વધારવું પડશે, ઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવવા પર ભાર મૂકવો પડશે, વેક્સીન કેન્દ્રમાં વધારો કરવો પડશે અને વેક્સીનની એક્સપાયરી ડેટનું પણ ધ્યાન રાખવું પડશે.
મોદીએ જણાવ્યું હતું કે જો કોરોનાની બીજી લહેર પર ઝડપથી કાબૂ મેળવવામાં નહીં આવે તો કોરોનાની મહામારી ઝડપથી દેશના બાકી ભાગોમાં ફેલાઈ જશે. રાજ્યોને આ દિશામાં ઝડપથી સખત પગલા ભરવા માટેની સલાહ આપી હતી, જેનાથી સામાન્ય લોકો વચ્ચે ભયનો માહોલ ના બને. તેમણે કહ્યું હતું કે શાસન-પ્રશાસનના સ્તર પર સજાગતા અને સખતાઈ સાથે-સાથે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરે.
મોદીએ ચેતવણી આપી હતી કે જો કોરોના ગામડાઓ સુધી પહોંચી ગયો તો તેને સંભાળવો મુશ્કેલ થઈ જશે, તેથી રાજ્યોએ કોરોનાને ફેલાતો અટકાવવા માટે જરુરી પગલા ભરવા જોઈએ. વડાપ્રધાને જણાવ્યું હતું કે કે, કોરોના સામેની લડાઈમાં આપણે આજે જ્યાં પહોંચ્યા છીએ, તેના કારણે આવેલો આત્મવિશ્વાસ બેદરકારીમાં પરિવર્તિત ના થવા દેવો જોઈએ. આપણે જનતાને ડરાવવાની પણ નથી અને મુશ્કેલીથી મુક્તિ મેળવવાની છે. ભયનો માહોલ ઉભો ના થાય અને કોરોના પર કાબૂ મેળવાય એ પણ જરુરી છે. આપણે કોરોનાની આ બીજી વેવ પર તાત્કાલિક કાબૂ મેળવવો પડશે.
વડાપ્રધાન મોદીએ સલાહ આપી હતી કે દર્દીઓને શોધીને તેમને કેટલો ચેપ લાગ્યો છે તેની તપાસ કરીને પછી સારવારની પ્રક્રિયા પર ધ્યાન આપવાની જરુર છે. “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને લઈને પણ આપણે ગંભીરતા દર્શાવાની જરુર છે, જેને આપણે છેલ્લાં એક વર્ષથી કરતા આવી રહ્યા છીએ. દરેક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોને ઓછામાં ઓછા સમયમાં ટ્રેક કરવા જરુરી છે અને RT-PCR ટેસ્ટ રેટ 70% કરતા ઉપર રહે તે ઘણું જ જરુરી છે. નાના શહેરોમાં ટેસ્ટિંગને વધારે. તેમણે કહ્યું, “આપણે નાના શહેરોમાં રેફરલ સિસ્ટમ અને એમ્બ્યુલન્સ નેટવર્કની ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે.”
વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં રસીકરણ અભિયાન પણ ગતિ સાથે ચાલી રહ્યું છે અને એક દિવસમાં 30 લાખ લોકોને રસી આપવાનો રેકોર્ડ પણ બન્યો છે. તેમણે દેશના કેટલાક વિસ્તારમાં રસીકરણ અંગે સુસ્ત ગતિ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, “દેશમાં વેક્સીનેશનની ગતિ સતત વધી રહી છે. આપણે એક જ દિવસમાં લાખો લોકોને વેક્સીન આપવાના આંકડાને પણ પાર કરી ચુક્યા છીએ. પરંતુ એની સાથે આપણે વેક્સીનની બરબાદીની સમસ્યાને ગંભીરતાથી લેવી પડશે.
તાજેતરમાં કોરોના પ્રભાવિત રાજ્યોની મુલાકાત લેનારી ઉચ્ચ સ્તરીય સમિતિ રિપોર્ટ રજૂ કરવાની હોવાથી અને વેક્સિનેશન શરૂ થયા બાદ વડાપ્રધાન પહેલી વખત મુખ્યપ્રધાનો સાથે વાત કરી રહ્યા હોવાથી આ બેઠક ખૂબ અગત્યની બની ગઈ હતી. વડાપ્રધાને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં પોઝિટિવ રેટ ખૂબ વધી રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે કોરોનાની આ લહેર અહીં જ નહીં રોકી દેવામાં આવે તો દેશવ્યાપી અસર જોવા મળશે.