ભારતની આઝાદીના 75મા વર્ષના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમથી દાંડી સુધીની 21 દિવસની દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમારંભમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આરપાટીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નોટિયાલે દાંડી યાત્રા માટેનું ગીત ગાયું હતું.
આ ભવ્ય મહોત્સવ 75 સપ્તાહ સુધી દેશના 75 સ્થળોએ યોજવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી ૧૨ માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરતાં ૮૧ પદયાત્રીઓએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિલોમીટર દાંડીયાત્રા પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો પૈકી બારડોલી, દાંડી, પોરબંદર, રાજકોટ, વડોદરા, માંડવીમાં મોટા કાર્યક્રમો તથા જિલ્લામથકો સહિત અન્ય સ્થળોએ મળી ૭૫ કાર્યક્રમો એક સાથે યોજાશે.
આ પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આપણે ઐતિહાસિક કાળખંડના સાક્ષી બની રહ્યા છીએ. આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી હતી. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે. વડાપ્રધાન મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવની વેબસાઇટ લોન્ચ કરી હતી.